RCBની જીતથી કોહલી ખુશ; ચહલની બોલિંગના કર્યાં વખાણ

દુબઈઃ આઈપીએલ-2020માં ગઈ કાલે પોતાની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને એની પહેલી જ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પર 10-રનથી મળેલા વિજય માટે કેપ્ટન વિરાટ કોહલીએ સ્વાભાવિક રીતે જ ખુશી વ્યક્ત કરી છે અને આ વિજય માટે તેના લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલની ગેમચેન્જર બોલિંગની પ્રશંસા કરી છે.

કોહલીએ કહ્યું કે રિસ્ટ સ્પિનર ચહલે સાબિત કરી આપ્યું છે કે એ કોઈ પણ પ્રકારની પિચ પર વિકેટ ખેરવી શકે છે.

ગઈ કાલની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બેંગલોર ટીમને બેટિંગ કરવા કહ્યું હતું. બેંગલોરે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન કર્યા હતા. ઓપનર દેવદત્ત પડીક્કલે 56 અને એબી ડીવિલિયર્સે 51 રન કર્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર અને ઓપનર જોની બેરસ્ટો 61 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે અને મનીષ પાંડે (34)એ બીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. પાંડેને આઉટ કરીને ચહલે તે ભાગીદારીને તોડી હતી. ચહલે તેના હિસ્સાની ચાર ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે દાવની 16મી ઓવરમાં બેરસ્ટો અને વિજય શંકર, એમ બે અન્ય કિંમતી વિકેટ ઉપરાછાપરી બોલમાં લીધી હતી, જેને કારણે મેચ બેંગલોરની તરફેણમાં આવી ગઈ હતી અને હૈદરાબાદ ટીમની ચેલેન્જનો દેખીતી રીતે જ અંત આવી ગયો હતો.

કોહલીએ કહ્યું કે ગયા વર્ષની સ્પર્ધામાં અમે શરૂઆતથી સતત છ મેચ હાર્યા હતા, પણ આ વખતે પહેલી જ મેચમાં જીતવા મળ્યું એની ખુશી છે.

કોહલીએ વધુમાં કહ્યું કે યુઝી (ચહલ) બોલિંગમાં આવ્યો અને એણે મેચને સંપૂર્ણપણે અમારી ફેવરમાં લાવી દીધી હતી. પિચનો આટલી સરસ રીતે ફાયદો ઉઠાવી શકે એવા બહુ ઓછા સ્પિનરો છે, પણ યુઝીએ બતાવી આપ્યું કે એના કાંડામાં એવી કળા છે જે મેચનું પાસું પલટી શકે. એણે બતાવી આપ્યું છે કે કોઈ પણ પિચ પર એ વિકેટ ઝડપી શકે છે. એણે મેચને ચેન્જ કરી નાખી હતી.

પોતાની પહેલી જ આઈપીએલ મેચમાં અડધી સદી ફટકારનાર ઓપનર દેવદત્ત પડીક્કલની બેટિંગના પણ કોહલીએ વખાણ કર્યા હતા. તો ડીવિલિયર્સ વિશે કહ્યું કે છેલ્લી ત્રણ ઓવરમાં એણે ફટકાબાજી કરતાં અમે 160નો સ્કોર પાર કરી શક્યા હતા.