ભારતીય મહિલા ક્રિકેટરોએ પહેલી જ વાર ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચમાં હરાવ્યું

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતની મહિલા ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ પર એકમાત્ર ટેસ્ટ મેચમાં 8-વિકેટથી વિજય પ્રાપ્ત કર્યો છે. મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતે આ પહેલી જ વાર ઓસ્ટ્રેલિયા પર ટેસ્ટ વિજય મેળવ્યો છે. મેચના આજે ચોથા અને આખરી દિવસે ભારતીય મહિલાઓને મેચ જીતવા માટે બીજા દાવમાં 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે શેફાલી વર્મા (4) અને રીચા ઘોષ (13)ની વિકેટ ગુમાવીને 75 રન કરીને મેચ જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના 38 અને જેમિમા રોડ્રિગ્ઝ 12 રન કરીને નોટઆઉટ રહી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 219 અને 261 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતીય મહિલાઓએ પહેલા દાવમાં 406 રન કર્યા હતા. શેફાલી વર્માએ 40, સ્મૃતિ મંધાનાએ 74, રીચા ઘોષે 52, જેમિમા રોડ્રિગ્ઝે 73, દીપ્તિ શર્માએ 78, પૂજા વસ્ત્રાકરે 47 રન કર્યા હતા. ભારતની ઓફ્ફ સ્પિનર સ્નેહ રાણાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એણે પહેલા દાવમાં 3 અને બીજા દાવમાં 4 વિકેટ લીધી હતી.

અમારા સહુની આકરી મહેનતનું આ ફળ છે: હરમનપ્રીત કૌર

ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, અમે સહુએ વર્ષોથી કરેલી આકરી મહેનતનું અમને આજે આ ફળ મળ્યું છે. હરમનપ્રીતે આ જીતનો શ્રેય સપોર્ટ સ્ટાફ, બોલિંગ કોચ અને બેટિંગ કોચને આપ્યો છે.

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલીસા હિલીએ કહ્યું કે, મેચના પહેલા ખરાબ દિવસને બાદ કરતાં અમે અમારી ભારતીય હરીફો સામે ત્રણ દિવસ સારું રમ્યાં હતાં. મુંબઈમાં આવીને ટેસ્ટ ક્રિકેટ રમવાનો અમને રોમાંચક અનુભવ પ્રાપ્ત થયો છે. અમને અહીં વધારે બે મેચ રમવા મળી હોત તો ચોક્કસ ગમ્યું હોત.