મુંબઈઃ ભારતીય સંઘમાં કોરોનાવાઈરસનો ચેપ ફેલાતાં ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ રમવાની ના પાડી દેનાર કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓના બચાવમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલી આવ્યા છે. ટેલિગ્રાફ અખબારે ગાંગુલીને એમ કહેતા ટાંક્યા છે કે, કોવિડ-19ની ચિંતાને કારણે ભારતના ખેલાડીઓ એકદમ ગભરાઈ ગયા હતા. આ ટેસ્ટ મેચ રદ કરાવવાના નિર્ણયમાં આગામી આઈપીએલ સ્પર્ધાને કોઈ લેવાદેવા નથી.
ભારતી ટીમના કોઈ સભ્યને કોરોના થયો નહોતો, પરંતુ કોચિંગ કેમ્પમાં – સપોર્ટ સ્ટાફમાં બે જણને કોરોના થયો હતો. ટીમના ફિઝિયો યોગેશ પરમારને કોરોના થયાનું માલુમ પડ્યું હતું. એ જાણીને ટીમના ખેલાડીઓ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે પરમાર દરરોજ ખેલાડીઓ સાથે સંપર્કમાં રહેતા હતા. તેઓ ખેલાડીઓને મસાજ પણ કરી આપતા હતા. તેથી ખેલાડીઓને એવો ડર પેઠો હતો કે કદાચ એમને પણ કોરોના થયો હશે. ખેલાડીઓના ડરને ધ્યાનમાં લેવો જ જોઈએ. બીસીસીઆઈ જરાય બેજવાબદાર બોર્ડ નથી. અમે અન્ય દેશોના ક્રિકેટ બોર્ડનો પણ આદર કરીએ છીએ. બાકી રહી ગયેલી પાંચમી ટેસ્ટ કદાચ આવતા વર્ષે રમાડાય એવી સંભાવના છે, એમ ગાંગુલીએ વધુમાં કહ્યું.