પાંચમી ટેસ્ટ રદ કરવા વિશે વિરાટ કોહલીએ મૌન તોડ્યું

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચ રદ થવાને કારણે BCCI અને ECB વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સૌપ્રથમ વાર રિએક્શન આપતાં આ ઘટનાને નિરાશાજનક બતાવી હતી. ટીમ ઇન્ડિયામાં કોરોનાના કેસો નોંધાયા હતા. જોકે કોવિડ પ્રોટોકોલ તોડવા બદલ ટીમ ઇન્ડિયાએ બ્રિટિશ મિડિયાની આકરી પ્રતિક્રિયાનો સામનો કરવા પડ્યો હતો. ટીમ ઇન્ડિયાના પૂરક કર્મચારીઓના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા હતા, જેથી ECBએ સાવચેતી રૂપે પાંચમી ટેસ્ટ રદ કરી હતી.

ઇંગ્લેન્ડની સામે પાંચમી ટેસ્ટ રદ થયા પછી કોહલી સહિત અનેક ભારતીય ક્રિકેટરો IPL ટીમમાં સામેલ થવા માટે દુબઈ અને અબુધાબી રવાના થયા હતા. જોકે કોહલી ટીમમાં સામેલ થવા પહેલાં છ દિવસ માટે ક્વોરોન્ટિન થશે.

કોહલીએ નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું ટીમ ટેસ્ટ સિરીઝ પૂરી કર્યા વગર ઇંગ્લેન્ડ છોડવી પડી, કેમ કે ઘણુંબધું અનિશ્ચિત હતું, જો અમે ઇંગ્લેન્ડમાં હોત તો કંઈ પણ થઈ શકત. બધા ભારતીય ક્રિકેટરો બાયો-બબલમાં છે, કેમ કે IPL ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ થશે.

આ બધું યોગેશ પરમારના કોવિડ સંક્રમિત થવાને કારણે થયું હતું, જેણે ટીમ ઇન્ડિયાને નિર્ધારિત સમયના બે કલાક માટે રમત બંધ કરવા માટે મજબૂર કરી. જોકે ECB અને BCCI એકબીજા સાથે મળીને સમાધાનનો રસ્તો કાઢવા કામ કરી રહી છે.