એશિયા કપ-2022 માટે ભારતીય, પાકિસ્તાની ટીમની જાહેરાત

મુંબઈઃ મર્યાદિત ઓવરોવાળી આગામી એશિયા કપ ક્રિકેટ-2022 સ્પર્ધા માટે બે મુખ્ય હરીફ ટીમ – ભારત અને પાકિસ્તાનની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ, આ સ્પર્ધાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા 27 ઓગસ્ટથી સંયુક્ત આરબ અમિરાતમાં રમાશે. આ સ્પર્ધા પહેલાં શ્રીલંકામાં રમાવાની હતી, પરંતુ ત્યાં ભયાનક આર્થિક અને રાજકીય સંકટ ફેલાતાં એ સ્પર્ધા ત્યાંથી ખસેડીને યૂએઈમાં રમાડવાનું એશિયન ક્રિકેટ કાઉન્સિલે નક્કી કર્યું હતું. 2018 પછી આ સ્પર્ધા ફરી યૂએઈમાં રમાશે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાવાઈરસ મહામારીને કારણે આ સ્પર્ધા રમાડી શકાઈ નહોતી. આ વખતની સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન ટીમો પણ રમશે. તે ઉપરાંત છઠ્ઠી ટીમનું સ્થાન ક્વાલિફાઈંગ રાઉન્ડ જીતનાર ટીમ હાંસલ કરશે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન. અનામત ખેલાડીઓમાં દીપક ચાહર, અક્ષર પટેલ અને શ્રેયસ ઐયરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હારિસ રઊફ, ઈફ્તિખાર એહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહીન શાહ અફરીદી, શાહનવાઝ દહાની અને ઉસ્માન કાદિર.

બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન ટીમોની જાહેરાત હજી કરાઈ નથી.

છ ટીમને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છેઃ ગ્રુપ A અને ગ્રુપ B. ભારત અને પાકિસ્તાનની સાથે ક્વાલિફાયર ટીમ રહેશે. B ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. મેચો દુબઈ અને શારજાહમાં રમાશે. મેચો સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે) શરૂ થશે.

સ્પર્ધાનો કાર્યક્રમઃ

27 ઓગસ્ટ (દુબઈ) – શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન

28 ઓગસ્ટ (દુબઈ) – ભારત વિ. પાકિસ્તાન

30 ઓગસ્ટ (શારજાહ) – બાંગ્લાદશ વિ. અફઘાનિસ્તાન

31 ઓગસ્ટ (દુબઈ) – ભારત વિ. ક્વાલિફાયર ટીમ

1 સપ્ટેમ્બર (દુબઈ) – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ

2 સપ્ટેમ્બર (શારજાહ) – પાકિસ્તાન વિ. ક્વાલિફાયર

3 સપ્ટેમ્બર (શારજાહ) – સુપર ફોર તબક્કાની મેચોનો આરંભ. તે છ મેચો 3, 4, 6, 7, 8, 9 સપ્ટેમ્બરે રમાશે. (પહેલી શારજાહમાં અને બાકીની પાંચ દુબઈમાં)

11 સપ્ટેમ્બર (દુબઈ) – ફાઈનલ મેચ