નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો છે, પણ ક્રિકેટપ્રેમીઓ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ ભારત-પાકિસ્તાનની મેચ છે. બંને ટીમો વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ નવ જૂને ન્યુ યોર્ક સ્થિત નાસાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો તૈયાર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો દિવસ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ટિકિટોની કિંમતો આકાશને આંબી રહી છે. આ મહા મુકાબલા માટે પ્રારંભમાં ટિકિટની કિંમત 300 US ડોલર (25,000 રૂપિયા) રાખવામાં આવી હતી, પણ સૌથી મોંઘી ટિકિટની કિંમત જોઈએ તો એ 1000 uS ડોલર બતાવવામાં આવી રહી છે, જે ભારતીય રૂપિયામાં 8.3 લાખ થયા છે. અહેવાલ મુજબ ટિકિટોના દર 300-1000ની US ડોલરની વચ્ચે છે.
જોકે ક્રિકેટ ફેન્સ મેચ જોવા જશે તો તેમને તેમનાં વાહનો ઊભાં કરવા માટે પાર્કિંગ એરિયાની જરૂર પડશે. ભારત અને પાકિસ્તાનની મેચ માટે પાર્કિંગ એરિયાની ફી પણ વધી ગઈ છે. આ મેચ માટે ફેન્સે 1200 ડોલર એટલે કે (આશરે એક લાખ રૂપિયા) ચૂકવવા પડશે, એમ સિદ્ધુએ કોમેન્ટરી કરતાં જણાવ્યું હતું. આ સમાચાર તેમને તેમના ડ્રાઇવરે આપ્યા હતા.
T20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાઈ રહ્યો છે. જેમાંથી કેટલીક મેચ ન્યુ યોર્કમાં રમાશે. ભારતીય ટીમની પહેલી મેચ પાંચ જૂને આયર્લેન્ડ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. હવે નવ જૂનના રોજ બીજી ટક્કર પાકિસ્તાન સામે થશે.