કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચમાં આજે પહેલા દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં 4 વિકેટના ભોગે 258 રન કર્યા હતા. કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચ રમતો શ્રેયસ ઐયર 75 રન અને રવિન્દ્ર જાડેજા 50 રનના વ્યક્તિગત સ્કોર સાથે દાવમાં હતો. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળનાર અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
21 રનના સ્કોર પર મયંક અગ્રવાલ (13) આઉટ થયા બાદ શુભમન ગિલ (52)ની વિકેટ 82 રને પડી હતી. ચેતેશ્વર પૂજારા (26) 106 રનના સ્કોર પર અને કેપ્ટન રહાણે (35) 145 રનના સ્કોર પર આઉટ થયો હતો. તે પછી ઐયર અને જાડેજાએ ટીમનું વધુ નુકસાન થવા દીધું નહોતું. સવારે મહાન બેટ્સમેન સુનીલ ગાવસકરના હસ્તે ટેસ્ટ કેપ મેળવનાર ઐયરના 136 બોલના દાવમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. સામે છેડે જાડેજા અત્યાર સુધીમાં 100 બોલનો સામનો કરી ચૂક્યો છે જેમાં 6 ચોગ્ગા છે. ન્યૂઝીલેન્ડનો સૌથી સફળ બોલર રહ્યો કાઈલ જેમીસન. આ ફાસ્ટ બોલરે 47 રન આપીને અગ્રવાલ, ગિલ અને રહાણેને આઉટ કર્યા છે. પૂજારાને અન્ય ફાસ્ટ બોલર ટીમ સાઉથીએ આઉટ કર્યો હતો. બે-મેચની સિરીઝની બીજી અને આખરી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.