ચેન્નાઈ સુપરકિંગ્સે IPLની ત્રણ-સીઝન માટે ધોનીને જાળવી-રાખ્યો

ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટની નવી મોસમ માટે ખેલાડીઓની હરાજી પૂર્વે વર્તમાન ચેમ્પિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે તેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વધુ ત્રણ મોસમ માટે જાળવી રાખ્યો છે. ચેન્નાઈ ટીમે ધોની ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઓપનર ઋતુરાજ ગાયકવાડને પણ જાળવી રાખ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમો અનુસાર, આઈપીએલની કોઈ પણ ટીમ એના વધુમાં વધુ 4 ખેલાડીઓને હરાજી પૂર્વે જાળવી રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે, ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ ટીમે ચાર વખત વિજેતાપદ હાંસલ કર્યું છે. ધોની કહી ચૂક્યો  છે કે હું મારી આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચ મારા વતન શહેર રાંચીમાં રમ્યો હતો અને હવે મારી આખરી ટ્વેન્ટી-20 મેચ ચેન્નાઈમાં રમીશ, પછી એ આવતા વર્ષે હોય કે પાંચ વર્ષના સમયગાળામાં, મને એની ખબર નથી.

તમામ 8 ટીમોએ 30 નવેમ્બર સુધીમાં એમણે જાળવી રાખેલા ખેલાડીઓની યાદી બોર્ડને સુપરત કરવાની રહેશે. 2022ની મોસમમાં વધુ બે ટીમ પણ જોડાશે એટલે ટીમોની સંખ્યા 10 થશે. નવી ટીમ છે અમદાવાદ અને લખનઉ. ઓપનર કે.એલ. રાહુલે પંજાબ કિંગ્સ ટીમને છોડી દીધી છે અને એ કદાચ લખનઉ ટીમ વતી રમે એવી ધારણા છે.