ગૌતમ ગંભીરના નિવાસની બહાર સુરક્ષા બંદોબસ્ત વધારાયો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એમના પરિવારને મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસે અત્રે રાજેન્દ્ર નગર વિસ્તારમાં ગંભીરના નિવાસસ્થાનની બહાર આજે સવારથી સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. ‘ISIS કશ્મીર’ નામના એક ગ્રુપ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ ગૌતમ ગંભીરે આજે સવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો એવું સૂત્રોનું કહેવું છે.

ગંભીરે દિલ્હીનાં ડેપ્યૂટી પોલીસ કમિશનર (મધ્ય) શ્વેતા ચૌહાણને પત્ર લખીને જણાવ્યું હતું કે એમને ‘ISIS કશ્મીર’ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેમાં લખ્યું છે કે અમે તમને અને તમારા પરિવારને મારી નાખવાના છીએ. પોતાની સુરક્ષા વધારવાની માગણી કરવા ઉપરાંત ગંભીરે પોલીસને એવી વિનંતી પણ કરી છે કે આ બનાવ અંગે એફઆઈઆર નોંધવામાં આવે. ગંભીરને 2019માં પણ એક ઈન્ટરનેશનલ ફોન નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી આવી હતી. એ વખતે પણ એમણે દિલ્હી પોલીસને જાણ કરી હતી. ગંભીરે 2018ના અંતે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને 2019માં ભાજપમાં જોડાઈ એ જ વર્ષે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.