રાષ્ટ્રગીત ગાતી વખતે બોલર સિરાજ રડી પડ્યો

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. મેચના આરંભ પૂર્વે પરંપરા મુજબ મેદાન પર બંને ટીમના ખેલાડીઓની ઉપસ્થિતિમાં એમના દેશના રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી. ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રાષ્ટ્રગીત ગાતી વખતે રડી પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલી ટૂંકી વિડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું ત્યારે એ ગાતી વખતે હૈદરાબાદનિવાસી સિરાજ ભાવૂક થઈ ગયો હતો. દેશ પ્રત્યેની એની લાગણી, એનું ઝનૂન આંસુ બનીને એની આંખોમાંથી છલકાઈ ગયું હતું. બાદમાં મેચ શરૂ થયા બાદ સિરાજે મેચની ચોથી જ ઓવરમાં ભારતને પહેલી સફળતા અપાવી હતી. ઓપનર ડેવિડ વોર્નર (5)ને એણે ચેતેશ્વર પૂજારાના હાથમાં ઝિલાવી દીધો હતો. એ વખતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 રન હતો. ઓસ્ટ્રેલિયાનોસ કોર 8મી ઓવરમાં 21 રન હતો ત્યારે વરસાદ તૂટી પડતાં મેચ અટકાવી દેવી પડી હતી. બંને ટીમમાં એક-એક ખેલાડી એમની કારકિર્દીની પહેલી જ મેચ રમી રહ્યા છે. ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની નવો ચહેરો છે જ્યારે ઓસ્ટ્રેલિયા વતી વિલ પુકોવ્સ્કીને ટેસ્ટ કેપ આપવામાં આવી છે.