મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થાય એ પહેલાં જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને જમોડી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે ટેસ્ટ મેચમાં રમી નહીં શકે. બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર-મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 27 ડિસેમ્બરથી એડીલેડમાં રમાનાર છે. ક્રિકેટ ન્યૂઝ વેબસાઈટ ઈએસપીએન ક્રિકઈન્ફોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. એણે તેમ પણ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમવાનું પણ રોહિત અને ઈશાંતનું ઢચુપચુ છે, બધો આધાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઝડપી અને નિર્ણાયક પગલા પર રહેલો છે.
ઈશાંતે બોલિંગ ફિટનેસ પાછી મેળવી લીધી છે. એણે જો આવતા વર્ષે 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટમાં રમવું હોય તો તાત્કાલિક વિમાનમાં બેસવું પડશે.
રોહિત તાજેતરની આઈપીએલ સ્પર્ધા દરમિયાન સાથળનો સ્નાયૂ ખેંચાઈ જવાની ઈન્જરીથી પરેશાન છે. હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે. એ સંપૂર્ણપણે ફિટ છે કે નહીં એ નિર્ણય માત્ર ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જ મળી શકશે. તે 8 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચશે તો પણ ત્યાં બે અઠવાડિયા સુધી એણે કોરોના સંબંધિત ક્વોરન્ટાઈન સ્થિતિમાં રહેવું પડશે.