અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ૨૦ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગણિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસીય મહોત્સવનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ, તર્કશક્તિ અને સર્જનાત્મક વિચારધારાનો વિકાસ કરવાનો છે.
ગુજરાત સાયન્સ સિટી ગણિતની અદ્ભુત દુનિયામાં તમામને આમંત્રિત કરે છે — જ્યાં તર્ક, સર્જનાત્મકતા અને જ્ઞાન એક જ મંચ પર મળે છે.
આ મહોત્સવ દરમિયાન ગણિત આધારિત વિવિધ પ્રવૃત્તિઓ, પ્રદર્શન, પઝલ્સ, રમતો, ઇન્ટરએક્ટિવ સત્રો તથા નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ માટે શીખવા સાથે મનોરંજક અનુભવ પૂરું પાડશે.
આ રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં દેશની વિવિધ શાળાઓમાંથી ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિતને માત્ર વિષય તરીકે નહીં પરંતુ દૈનિક જીવન સાથે જોડાયેલ ઉપયોગી અને રસપ્રદ વિજ્ઞાન તરીકે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ મહોત્સવ ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો તેમજ ભવિષ્યના વૈજ્ઞાનિકો અને વિચારકોને પ્રેરણા આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.


