મ્યુઝિયમ ડેઃ આ છે અમદાવાદના કેટલાક સંગ્રહાલય..

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે 18 મેના રોજ ઉજવવામાં આવે છે. વિભાજીત થઇ રહેલા આ વિશ્વમાં ઐક્ય થવાનો ભાવ આવે.. એવો ઉત્કૃષ્ટ વિચાર આ વખતના મ્યુઝિયમ ડેમાં મુકવામાં આવ્યો છે. આખાય વિશ્વમાં હજારો મ્યુઝિયમ આવેલા છે. એમાં અલગ અલગ સંસ્કૃતિની અનેક ગામ, શહેર, રાજ્ય કે દેશની અનોખી ચીજ વસ્તુઓનો, શોધ સંશોધનોનો સંગ્રહ કરી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ દ્વારા માનવ ઇતિહાસ કે શોધ સંશોધનના અનેક પૂરાવા પેઢીઓ સુધી લોકો જોઇ જાણી શકે છે. ત્યારે શહેરના કેટલાક મ્યુઝિયમ (Museum) ની એક ઝલક..

1. એલ.ડી.ઇન્ડોલોજી (L. D. Institute of Indology)

લાલભાઈ (Lalbhai) પરિવારના કસ્તૂરભાઈ લાલભાઈએ 1956માં લાલભાઈ દલપતભાઈની સ્મૃતિમાં આ સંસ્થાની સ્થાપના કરી. એલ.ડી. ઇન્ડોલોજી સ્વતંત્ર સંશોધન કાર્ય ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, ભારતીય ધર્મ અને દર્શન તથા ભારતીય સંસ્કૃતિ વિષયમાં પીએચ.ડી. માટે માન્ય સંસ્થા છે. આ સંસ્થાએ માર્ચ 2002 સુધીમાં ભેટ કે થાપણ રૂપે મળેલી પંચોતેર હજાર પ્રાચીન હસ્તપ્રતોનો સંગ્રહ કર્યો છે. વેદ, આગમ, દર્શન, વ્યાકરણ, સાહિત્ય, કોશ, કાવ્ય, આયુર્વેદ, જ્યોતિષ, મંત્ર, તંત્ર આદિ વિવિધ વિષયોને લગતી આ હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, રાજસ્થાની, જૂની ગુજરાતી ભાષાઓમાં લખાયેલી છે.

2. ગાંધી સ્મારક સંગ્રહાલય

સાબરમતીના તટ પર ગાંધીજીના જીવનકાર્ય સાથે સંકળાયેલું મહત્વનું સંગ્રહાલય. 1918થી 1930 સુધી ગાંધીજી (Gandhiji) અને કસ્તૂરબાનું નિવાસસ્થાન અને પ્રાર્થનાભૂમિ તથા દાંડીકૂચની પવિત્ર ભૂમિ. એ પાછળથી સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતી થઈ. આ સ્થળને સુરક્ષિત રાખવા 1951માં એક ટ્રસ્ટની સ્થાપના થઈ અને 1963માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે સંગ્રહાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. ગાંધીજીનાજન્મથી અવસાન સુધીના 100 ઉપરાંત ફોટા, સત્ય, અહિંસા, અપરિગ્રહ, સત્યાગ્રહ, અસ્પૃશ્યતા-નિવારણ, રાષ્ટ્રીય એકતાના એમના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોનાં પૂરા કદનાં તૈલચિત્રો, તેમનાં અસલ લખાણો, દસ્તાવેજો, પત્રો, પુસ્તકો, ચબરખી તથા રેંટિયો જેવી રોજ વપરાતી વસ્તુઓ, ફોટા, ફિલ્મો વગેરેનો સમાવેશ થાય છે.

3. વિશાલામાં વાસણનું એક અનોખું મ્યુઝિયમ

વિશાલા (Vishala) ના કેમ્પસમાં ‘વિચાર’ નામે વાસણોનું એક અનોખું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. વિશાલા શરૂ થયાના ત્રણ વર્ષ પછી, 27 એપ્રિલ 1981ના રોજ આ સંગ્રહાલયમાં વિવિધ અવનવા વાસણો સાથે મ્યુઝિમય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વિશ્વમાં આ પ્રકારનું આ એકમાત્ર સંગ્રહાલય છે, જે આવા કિંમતી વાસણોનો સંગ્રહ કરી પ્રદર્શિત કરે છે. વિશાલાના વાસણ મ્યુઝિયમના ડિઝાઇનર સુરેન્દ્ર પટેલ  અનુસાર મ્યુઝિયમની સ્થાપનામાં જ્યોતિન્દ્ર જૈનનો મહત્વનો ફાળો છે.  માટી, જુદી જુદી ધાતુઓના નાના મોટા વિશાળ વાસણો, પાત્રો, તાળા, મૂર્તિઓ આ મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ છે.

4. સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય 

આ સ્મારક સંગ્રહાલયમાં સરદાર પટેલ (Sardar Patel) ના જીવનદર્શન માટેનું કીમતી સાહિત્ય સંઘરાયેલું છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકેના પત્રો, નાયબ વડાપ્રધાન તરીકે તથા ગૃહમંત્રી તરીકે જે નિર્ણયો લીધા તે અંગેની ફાઇલો, સાથીઓ, સંસ્થાઓ તથા મિત્રોને માર્ગદર્શન આપતા પત્રો અહીંના ભંડારમાં છે. સરદારના જીવન અને કાર્યને આવરી લેતા વિવિધ વિષયોની તસવીરો અહીં પ્રદર્શિત છે. આ ઉપરાંત ભેટસોગાદો, માનપત્રો, અંગત પેન, ચરખો, લોટો, પેટી, ઝભ્ભા, બંડી, કાસ્કેટ, કૂકર, સ્લિપર, રજાઈ અને મણિબહેન દ્વારા કાંતેલી ખાદી પણ પ્રદર્શિત કર્યાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)