સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું: સોનિયા ગાંધી

નવી દિલ્હી: કેન્દ્રની NDA સરકારે સંસદના શિયાળુ સત્રમાં મનરેગાની જગ્યાએ ‘વીબી-જી રામ જી’ બિલ રજૂ કર્યું. આ બિલને સંસદના બંને સદનમાં પાસ કરી દેવામાં આવ્યું છે. બિલ પાસ થયા બાદ કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ એક વિડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વિડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ 20 વર્ષ પહેલાં લાવવામાં આવેલા મનરેગા કાયદાને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. એ સાથે જ નવા કાયદા અંગે તેમણે કહ્યું હતું કે સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હવે કોને, કેટલું, ક્યાં અને કઈ રીતે રોજગાર મળશે, તેનો નિર્ણય જમીની હકીકતથી દૂર દિલ્હીમાં બેઠેલી સરકાર નક્કી કરશે.

મનરેગા કાયદો એક ક્રાંતિકારી પગલું હતું

તેમણે કહ્યું હતું કે મને આજે પણ યાદ છે કે 20 વર્ષ પહેલાં જ્યારે ડો. મનમોહન સિંહજી વડા પ્રધાન હતા, ત્યારે સંસદમાં મનરેગા કાયદો સર્વસંમતિથી પાસ થયો હતો. આ એક એવું ક્રાંતિકારી પગલું હતું, જેને કારણે કરોડો ગ્રામીણ પરિવારોને લાભ મળ્યો.

ખાસ કરીને વંચિત, શોષિત, ગરીબ અને અતિ ગરીબ લોકો માટે આ રોજગારનું મુખ્ય સાધન બન્યું. રોજગાર માટે પોતાની માટી, પોતાનું ગામ અને પરિવાર છોડીને સ્થળાંતર કરવાનું બંધ થયું. રોજગારનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો અને ગ્રામ પંચાયતોને સશક્ત બનાવવામાં આવી. મનરેગા દ્વારા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલું ભરાયું. હતું.

મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું

સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે પાછલાં 11 વર્ષમાં મોદી સરકારે ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર, ગરીબો અને વંચિતોના હિતોને અવગણીને મનરેગાને નબળી બનાવવાના તમામ પ્રયાસો કર્યા છે. જ્યારે કે કોવિડના સમયગાળામાં આ યોજના ગરીબ વર્ગ માટે સંજીવની સાબિત થઈ હતી, પરંતુ અફસોસની વાત છે કે તાજેતરમાં સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું. માત્ર મહાત્મા ગાંધીનું નામ જ દૂર કરવામાં આવ્યું નથી, પરંતુ મનરેગાનું સ્વરૂપ પણ કોઈ વિચાર-વિમર્શ વિના, કોઈ સલાહ લીધા વિના અને વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર મનમાની રીતે બદલી નાખવામાં આવ્યું છે.