દુબઈઃ યૂએઈ અને ઓમાનમાં આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ-2021માં ગ્રુપ મેચોનો આરંભ થઈ ગયો છે. સુપર-12 રાઉન્ડનો આરંભ 23 ઓક્ટોબરથી થશે. ગ્રુપ-2માં સામેલ ભારતની પહેલી મેચ 24મીએ પાકિસ્તાન સામે દુબઈમાં છે. એ ધમાકેદાર મુકાબલો કદાચ હાર્દિક પંડ્યા ચૂકી જાય એવો સંભવ છે. એની ફિટનેસ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની છે. એવું બની શકે કે, કેપ્ટન વિરાટ કોહલી પાકિસ્તાન સામેની મેચમાંથી પંડ્યાને પડતો મૂકી દે.
આનું કારણ એ છે કે ટીમમાં પંડ્યાનો સમાવેશ બેટિંગ-ઓલરાઉન્ડર તરીકે કરાયો છે. સ્પર્ધાની મેચોમાં એ કદાચ બોલિંગ નહીં કરે. હાર્દિક પંડ્યા મધ્યમ ઝડપી બોલર છે. પસંદગીકારોએ સ્પિનર અક્ષર પટેલની જગ્યાએ બોલિંગ-ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો છે. ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું કહેવું છે કે હાર્દિક પંડ્યા હાલ સારા ફોર્મમાં નથી. તાજેતરમાં સમાપ્ત થયેલી આઈપીએલમાં પણ એનો દેખાવ નિરસ રહ્યો હતો. જો એ બોલિંગ કરવા માટે પૂરતો ફિટ ન હોય તો એને ભારતીય ટીમમાં સામેલ કરવો ન જોઈએ. પંડ્યા નેટ-પ્રેક્ટિસ વખતે નહીં, પરંતુ ભારતની વોર્મ-અપ મેચો સારી બોલિંગ કરે તો જ એને સ્પર્ધાની મેચોમાં રમાડવો જોઈએ. નેટ્સમાં બોલિંગ કરવી અને બાબર આઝમ જેવા ક્વાલિટી બેટ્સમેનો સામે, અને તે પણ વર્લ્ડ કપમાં બોલિંગ કરવી એ સાવ અલગ બાબત છે.
સ્પર્ધા પૂર્વે ભારતે બે વોર્મ-અપ કે પ્રેક્ટિસ મેચો રમવાની છે. ગઈ કાલની પહેલી વોર્મ-અપ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. હાર્દિક પંડ્યાને એમાં બોલિંગ આપવામાં આવી નહોતી. બેટિંગમાં એ 6ઠ્ઠા ક્રમે આવ્યો હતો અને 10 બોલમાં 12 રન કરીને (4 ચોગ્ગા) નોટઆઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટે 188 રન કર્યા હતા. ભારતે 19 ઓવરમાં 3 વિકેટના ભોગે 192 રન કરીને મેચ જીતી લીધી હતી. વિકેટકીપર રિષભ પંત 29 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે વિનિંગ શોટમાં સિક્સર ફટકારી હતી. ઓપનર કે.એલ. રાહુલે 51, ઈશાન કિશન (રિટાયર્ડ હર્ટ) 70, કેપ્ટન વિરાટ કોહલીએ 11 અને સૂર્યકુમાર યાદવે 8 રન કર્યા હતા.