આ કારણસર સાનિયા 24મીએ સોશિયલ-મિડિયાથી દૂર રહેશે

હૈદરાબાદઃ યૂએઈમાં રમાતી આઈસીસી T20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં 24મીના રવિવારે કટ્ટર હરીફો – ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. આ મેચ માટે અત્યારથી માત્ર આ બે દેશના જ નહીં, પણ આખી દુનિયાના ક્રિકેટરસિયાઓ ઉત્સૂક બન્યાં છે. ભારતની ટોચની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા-મલિકે આ મેચ પૂર્વે એક વચન આપ્યું છે. એણે કહ્યું છે કે પોતે થોડાક સમય માટે સોશિયલ મિડિયામાંથી બ્રેક લેશે.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનિવાસી સાનિયા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકને પરણી છે. ભારતમાં આતંકવાદી હુમલાઓને કારણે પાકિસ્તાન પ્રત્યે લોકોમાં રોષની લાગણી છે. એને કારણે સાનિયાને ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વખતે નફરત અને ટીકાનો સામનો કરવો પડે છે. ભારતે 2008ની સાલથી પાકિસ્તાન સાથેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો સ્થગિત કરી દીધા છે. માત્ર આઈસીસી યોજીત સ્પર્ધાઓમાં જ તે પાકિસ્તાન સામે રમે છે. તાજેતરમાં જમ્મુ-કશ્મીરમાં કરાયેલા આતંકવાદી હુમલાઓને કારણે ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે આ મેચ રમવી ન જોઈએ એવી પણ માગણી થઈ રહી છે. આ સંદર્ભમાં, સાનિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાંની ટેક્સ્ટમાં આ વંચાય છેઃ ‘ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચના દિવસે હું સોશિયલ મિડિયા પરથી અને ઝેરીપણાથી દૂર રહીશ.’

આવજો (Bye bye) કેપ્શન ધરાવતી આ રીલ વિશે પ્રત્યાઘાત આપતાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે લખ્યું છે, ‘સારો આઈડિયા છે.’ સાનિયા અને શોએબને ત્રણ વર્ષનો એક પુત્ર છે – ઈઝાન.

આમ આદમી પાર્ટીએ માગણી કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની મેચ રમવી ન જોઈએ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું છે કે ભારતે પાકિસ્તાન સામેની મેચ રમવી જ પડશે, કારણ કે આઈસીસી દ્વારા આયોજિત કોઈ પણ સ્પર્ધામાં રમવાની કોઈ પણ ટીમ ના પાડી શકતી નથી.

Sania Mirza Reel