ભારત-પાકિસ્તાનને ફરી રમતા જોવા નવા ICC-ચેરમેન આતુર

વેલિંગ્ટનઃ પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન ફરી નિયમિત રીતે દ્વિપક્ષી શ્રેણીઓ રમતા થાય અને એકબીજાની ધરતી પર જઈને રમે એ જોવા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થા ઉત્સૂક છે, એમ ક્રિકેટનું વિશ્વસ્તરે સંચાલન કરતી આ સંસ્થાના નવા ચેરમેન ગ્રેગ બાર્કલેએ આજે કહ્યું છે. જોકે બંને દેશ વચ્ચે ક્રિકેટસંબંધો ફરી ક્યારે પ્રસ્થાપિત થશે એ વિશે પોતે કંઈ ચોક્કસપણે કહી શકે એમ નથી, એવી તેમણે ચોખવટ પણ કરી છે.

ભારત અને પાકિસ્તાનની દ્વિપક્ષી ક્રિકેટ શ્રેણીઓનો આધાર કાયમ પરસ્પર રાજકીય સંબંધો પર આધારિત હોય છે. બંને દેશ છેલ્લા 13 વર્ષથી એકબીજા સામે ટેસ્ટ શ્રેણી રમ્યા નથી. છેલ્લે 2007માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી અને 3-ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. જ્યારે ભારતીય ટીમનો પાકિસ્તાન ખાતેનો છેલ્લો પ્રવાસ 14 વર્ષ પહેલાં થયો હતો. પાકિસ્તાન ટીમ 2012માં એક ટૂંકી ODI તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવા ભારત આવી હતી, અને તેના ચાર વર્ષ બાદ, 2016માં વર્લ્ડ કપમાં રમવા ફરી ભારત આવી હતી.

ન્યૂઝીલેન્ડવાસી 59 વર્ષીય બાર્કલેએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ ફરી ચાલુ કરાવવાની મને કોઈ સત્તા નથી કે હું એવું કંઈ નક્કી પણ કરી શકતો નથી. પરંતુ આઈસીસી સંસ્થા મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી શકે છે. જોકે આખરી નિર્ણય તો ભારત અને પાકિસ્તાનની સરકારોએ જ લેવાનો છે.