એ રાતે હું સૂઈ શક્યો નહોતો, હજી પણ હારના વિચાર આવ્યા કરે છેઃ મોહિત શર્મા

મુંબઈઃ ગઈ 29-30 મેની રાતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ-2023 ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ભારે રોમાંચક ક્ષણો વચ્ચે પાંચ-વિકેટથી જીતી લીધી હતી. તે મેચમાં ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ ફેંકેલી આખરી ઓવર ખૂબ ચર્ચાસ્પદ રહી છે. મોહિતનું કહેવું છે કે પોતે એ રાતે સૂઈ જ શક્યો નહોતો.

વરસાદને કારણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો જીતનો નવો ટાર્ગેટ મળ્યો હતો. એને જીત માટે આખરી ઓવરમાં 13 રન કરવાના હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોહિતનેતે ઓવર ફેંકવા કહ્યું હતું. મોહિતે પહેલા ચાર બોલમાં માત્ર 3 રન જ આપ્યા હતા. તે જોતાં ગુજરાત સતત બીજી વાર વિજેતા બનશે એવું પાકું લાગતું હતું. પરંતુ આખરી બે બોલમાં રવિન્દ્ર જાડેજાએ ચિત્ર બદલી નાખ્યું અને ચેન્નાઈ ટીમ પાંચમી વાર વિજેતા બની. જાડેજાએ પાંચમા બોલમાં સિક્સર અને છઠ્ઠા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. મેચ હારી જતાં મોહિત શર્મા બહુ જ ભાવૂક થઈ ગયો હતો. કેપ્ટન હાર્દિકે એને ભેટીને દિલાસો આપ્યો હતો. મોહિતે બાદમાં મિડિયાને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, ‘પરાજય બાદ મારી તો ઊંઘ જ ઊડી ગઈ હતી. આખી રાત હું એ જ વિચારતો રહ્યો હતો કે ફાઈનલ જીતવા માટે વધુ શું કરી શકાયું હોત. હું સૂઈ જ નહોતો શક્યો. મેં શું જુદું કર્યું હોત તો મેચ અમે જીતી ગયા હોત? એ જ હું વિચારતો રહ્યો હતો. છેલ્લો બોલ અલગ ફેંક્યો હોત તો શું બન્યું હોત? હજી પણ મારા મનમાં એ વિશે ધમસાણ ચાલે છે. બધા જ બોલ યોર્કર ફેંકવા એવું મેં નક્કી કર્યું હતું. બેટરના પગની પાસે જ અચૂક યોર્કર ફેંકવાનો પ્રયત્ન હતો, પણ એવું બન્યું નહીં. બોલની ટપ જુદી જગ્યાએ પડી હતી. જાડેજાએ તે બોલને બેટ પર લીધો હતો અને ચિત્ર બદલી નાખ્યું.’

ઉલ્લેખનીય છે કે, મોહિતે ફાઈનલ મેચમાં 3 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી હતી. ગુજરાત ટીમ વતી તે શ્રેષ્ઠ બોલિંગ દેખાવ હતો. આ મોસમમાં સૌથી વિકેટ લેનાર બોલરોની યાદીમાં મોહિત બીજા સ્થાને રહ્યો હતો.