મણિપુર હિંસાઃ 11 દિગ્ગજોની મેડલ પરત કરવાની ચેતવણી

ઇમ્ફાલઃ મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. એક મહિનાથી અહીં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસામાં 80થી વધુ લોકો જીવ ગુમાવ્યા છે. હજારો લોકોના ઘર હિંસામાં બળીને ખાખ થઈ ચૂક્યાં છે. હજારો બેઘર થઈને અહીંતહીં ભટકવા મજબૂર બન્યા છે.

રાજ્યની સમસ્યાઓના સમાધાન માટે હવે રાજ્યના ખેલાડીઓએ મેડલ પરત કરવાની ચેતવણી આપી છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ સહિત 11 ખેલ દિગ્ગજોએ મેડલ પરત કરવા માટે ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. આ લોકોએ મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે સંકટનું સમાધાન કરવા આગ્રહ કર્યો છે.ગૃહપ્રધાનને લખેલા પત્રમાં ખેલાડીઓએ ક્હ્યું છે કે રાજ્યમાં શાંતિ છીનવાઈ ચૂકી છે.રાજ્યમાં લોકોને ખાણીપીણીની ચીજવસ્તુઓની અછત છે. હિંસાને કારણે કિંમતો આકાશને આંબી રહી છે. કેટલાંક સપ્તાહોથી હાઇવે કેટલીય જગ્યાએ બ્લોક છે, જેથી ટ્રકો ત્યાં પહોંચી નથી રહી.આ લોકોએ નેશનલ હાઇવે-બેને ખોલવાની માગ કરી છે. તેમણે કેન્દ્રને ચેતવણી આપી છે કે રાજ્યમાં શાંતિ જલદી સ્થાપવામાં આવે અને જો સામાન્ય સ્થિતિ નહીં સ્થપાય તો તેઓ તેમના એવોર્ડ અને મેડલ પરત કરી દેશે.

મણિપુર હિંસાથી દુઃખી થઈને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઇ ચનુ સહિત મણિપુરની 11 ખેલાડીઓએ પત્ર લખ્યો છે. શાહને લખેલા પત્રમાં પદ્મ એવોર્ડવિજેતા વેઇટલિફ્ટર કુજારાની દેવી, ભૂતપૂર્વ ભારતીય મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન બેમ બેમ દેવી અને મુક્કેબાજ એલ સરિતા દેવી સામેલ છે.