T20I શ્રેણીમાં પરાજયઃ વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાની કાઢી ઝાટકણી

બેંગલુરુઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ગઈ કાલે અમેરિકાના ફ્લોરિડામાં રમાઈ ગયેલી પાંચમી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમનો 8-વિકેટથી પરાજય થયા બાદ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે શ્રેણી 2-3થી ગુમાવી દીધા બાદ ટીમ ઈન્ડિયાના દેખાવની ટીકા થઈ રહી છે. રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ ટીમની ઝાટકણી કાઢી છે. એમનું કહેવું છે કે, ‘આપણી ટીમમાં જીતવાના જુસ્સાનો અને દિલમાં આગનો અભાવ હતો. તેઓ ખોટા ભ્રમમાં જીવે છે.’

ભારતને આ શ્રેણીમાં હરાવીને વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવવાના છ-વર્ષના દુકાળનો અંત લાવી દીધો છે.

હેડ કોચ રાહુલ દ્રવિડે તેમની ટીમનો બચાવ કર્યો

દરમિયાન, ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ટીમનો પરાજય થયો હોવા છતાં બચાવ કર્યો છે. એમણે કહ્યું કે, ‘આ ટીમનું ઘડતર થઈ રહ્યું છે. આવી ચડતી-પડતી તો આવ્યા કરે. મને ખબર છે કે ટીમમાં ઓછા અનુભવી ખેલાડીઓ હોય તો એમના ફોર્મમાં ચડ-ઉતર થયા કરે. એ વાત ખરી છે કે અમારી ટીમે કેટલીક ભૂલ કરી હતી, પરંતુ પાંચ મેચોની શ્રેણીમાં એવું બનતું હોય છે. અમારી યુવા ખેલાડીઓની ટીમ છે અને તેનું ઘડતર થઈ રહ્યું. હારથી નિરાશા થઈ છે એ વાત ખરી… વેસ્ટ ઈન્ડિઝની પ્રશંસા કરવી જ રહી. એ ચઢિયાતી T20I ટીમ છે. વળી, તેઓ એમના ઘરઆંગણે રમ્યા હતા,’ એમ દ્રવિડે વધુમાં કહ્યું.