ભારત, અફઘાનિસ્તાન પાસેથી મદદ મળે તો પાકિસ્તાન વર્લ્ડકપ SFમાં જઈ શકે

મુંબઈઃ બાંગ્લાદેશ પર સાત-વિકેટથી જીત મેળવીને પાકિસ્તાને વર્લ્ડ કપ-2023ની સેમી ફાઈનલમાં પ્રવેશવાની તેની આશાને જીવંત રાખી છે. બાંગ્લાદેશ ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. પાકિસ્તાન SFમાં કેવી રીતે પ્રવેશી શકે? એક નજર…

સ્પર્ધામાં સતત ચાર મેચ હાર્યા બાદ પાકિસ્તાને ત્રીજી જીત હાંસલ કરી છે. પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે તે પાંચમા ક્રમે છે. અફઘાનિસ્તાન છઠ્ઠા ક્રમે છે. તેના પણ 6 પોઈન્ટ છે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની તેની આગામી મેચો જીતવી જ પડે. તે છતાં એણે અન્ય બે ટીમ ઉપર પણ મદાર રાખવો પડે.

બીજી નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થવાનો છે. આ મેચમાં ભારત જીતે એવું પાકિસ્તાન ઈચ્છશે અને તેથી તે મેચ માટે પાકિસ્તાનીઓ પણ ભારત માટે ચીયર અપ કરશે. જો ભારત જીતશે તો શ્રીલંકા સ્પર્ધામાંથી ફેંકાઈ જશે. બીજી બાજુ, અફઘાનિસ્તાન જો તેની ત્રણમાંથી બે મેચ જીતશે તોય પાકિસ્તાન માટે સેમી ફાઈનલમાં પહોંચવાનું મુશ્કેલ બની જશે. અફઘાનિસ્તાને હજી નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમવાનું બાકી છે. પાકિસ્તાન ઈચ્છશે કે અફઘાનિસ્તાન બે મેચ હારે. કારણ કે જો અફઘાનિસ્તાન બે મેચ જીતશે તો પાકિસ્તાન સાથે એના પણ 10 પોઈન્ટ થાય અને તો પરિણામ નેટ રન-રેટ પરથી નક્કી થાય.

ભારત પોઈન્ટ્સ ટેબલમાં સૌથી મોખરે છે. સાઉથ આફ્રિકાને સેમી ફાઈનલમાં પહોંચવા માટે માત્ર એક જ જીતની જરૂર છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, બંનેના 8-8 પોઈન્ટ છે. એમને બે જીતની આવશ્યક્તા છે. પાકિસ્તાને 4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડને હરાવવું જ પડે. તે પહેલાં, આજની મેચમાં સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડને હરાવે એવું પાકિસ્તાન ઈચ્છશે અને તે પછી 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે પણ હારી જાય એવું પણ પાકિસ્તાન ઈચ્છશે. ધારો કે ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકા કે શ્રીલંકા સામે, બેમાંથી એકની સામે પણ જીતી જાય તો એના 10 પોઈન્ટ થશે અને તે પછી પરિણામ નેટ રન-રેટના આધારે નક્કી થશે.