ગોલ્ડન મન્ડેઃ શૂટિંગ પછી મહિલા ક્રિકેટરોએ જીત્યો ગોલ્ડ મેડલ

હાંગજોઉઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 19 રનોથી હરાવી હતી. આ મેચમાં 117 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકન ટીમ આઠ વિકેટે 97 રન બનાવી શકી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સૌપ્રથમ વાર ભાગ લઈ રહી છે. આવામાં ટીમે પહેલા પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

આ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે કોઈપણ એશિયન ગેમ્સમાં ભાગ લીધો ન હતો. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા અને શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો. લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 97 રન બનાવી શકી હતી.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. મંધાના સિવાય જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી ઇનોકા રણવીરા, સુગંધિકા કુમારી અને ઉદેશિકા પ્રબોધિનીએ 2-2 વિકેટ લીધી હતી.

જોકે ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. 14 ઓવર સુધી ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા હતા, પરંતુ આગામી છ ઓવરમાં ટીમ છ વિકેટ ગુમાવીને 30 રન જ બનાવી શકી હતી. મંધાના અને જેમિમા સિવાય કોઈ પણ ખેલાડી વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શકી નહોતી.

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ છ ઓવરમાં ટીમે ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 28 રન બનાવ્યા હતા. તિતાસ સાધુએ પાવરપ્લેમાં ત્રણેય વિકેટ લીધી હતી.

એ સાથે ભારતે અત્યાર સુધી બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી લીધા છે.