C-295 MW ટ્રાન્સપોર્ટ વિમાન ભારતીય હવાઈ દળમાં સામેલ

 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 25 સપ્ટેમ્બર, સોમવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદસ્થિત હિંડન એર ફોર્સ સ્ટેશન ખાતે ‘ભારત ડ્રોન શક્તિ-2023’ પ્રદર્શનનું ઉદઘાટન કર્યા બાદ C-295 MW ટ્રાન્સપોર્ટ વિમાનને વિધિવત્ ભારતીય હવાઈ દળમાં સામેલ કર્યું હતું. આ પ્રસંગે હવાઈ દળના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિમાન પર સનાતન પદ્ધતિ અનુસાર કંકુથી સાથિયો (સ્વસ્તિક) બનાવતા રાજનાથ સિંહ. સ્વસ્તિક ચિન્હને હિન્દૂ ધર્મમાં શુભ ગણવામાં આવે છે. માંગલિક કે શુભ કાર્ય માટે લાલ રંગનો સાથિયો શુભ પુરવાર થાય છે.

આ વિમાનના ઉમેરાથી ભારતીય હવાઈ દળની વ્યૂહાત્મક ક્ષમતામાં વધારો થશે. આ વિમાન હવાઈ દળમાં જૂના થઈ ગયેલા એવરો-748 વિમાનોનું સ્થાન લેશે.

આ વિમાનને આ મહિને સ્પેનમાંથી લાવવામાં આવ્યું હતું. ભારતીય હવાઈ દળનું આધુનિકીકરણ કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે 56 C-295 ટ્રાન્સપોર્ટ વિમાનની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે રૂ.21,935 કરોડનો સોદો કર્યો છે. એરબસ કંપની 2025 સુધીમાં 16 C-295 વિમાન ભારતને સુપરત કરશે. બાકીના 40 વિમાનોનું નિર્માણ વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડમાં કરવામાં આવશે. (તસવીર સૌજન્યઃ @IAF_MCC)