માન્ચેસ્ટરઃ કોરોના વાઈરસના આતંક વચ્ચે સાઉધમ્પ્ટનમાં દર્શકો વિના રમાઈ ગયેલી પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ – ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યજમાન ઈંગ્લેન્ડને 4-વિકેટથી હરાવીને આંચકો આપ્યો છે.
3-મેચની સિરીઝમાં જેસન હોલ્ડરની વેસ્ટ ઈન્ડિયન ટીમે 1-0ની સરસાઈ મેળવી છે. બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ જો આ ટેસ્ટ મેચ પણ જીતી જશે તો 32 વર્ષમાં પહેલી વાર ઈંગ્લેન્ડની ધરતી પર તે ટેસ્ટશ્રેણી જીતશે.
પહેલી ટેસ્ટ મેચમાં વિન્ડીઝની જીતમાં પાછલા ક્રમના બેટ્સમેન જર્મેન બ્લેકવૂડે 95 રનની મેચ-વિનિંગ ઈનિંગ્ઝ ખેલીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બ્લેકવૂડ 6ઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. એણે 154 બોલનો સામનો કર્યો હતો અને દાવમાં કુલ 12 ચોગ્ગા ફટકાર્યા હતા. બ્લેકવૂડે હવે ઘટસ્ફોટ કર્યો છે કે તેની એકાગ્રતા ભંગ કરવા માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બહુ પ્રયાસો કર્યા હતા. મારું ધ્યાન ભટકાવવા અને એ ચાલાકીથી મારી વિકેટ પાડવા માટે હું પહેલો બોલ રમ્યો ત્યારથી એણે કોશિશ કર્યે રાખી હતી, પરંતુ હું એકદમ સતર્ક રહીને રમતો રહ્યો હતો.
વિઝડન મેગેઝિને બ્લેકવૂડને ટાંકતાં જણાવ્યું છે કે પહેલા જ બોલથી કેપ્ટન સ્ટોક્સ સ્લિપમાં ઊભો રહીને મને ગમે તે બોલતો રહ્યો હતો. એ ઈચ્છતો હતો કે હું એને કારણે ડિસ્ટર્બ થઈ જાઉં અને ખોટો શોટ ફટકારી દઉં ને આઉટ થઈ જાઉં. પરંતુ કોઈ પણ રીતે મારું ધ્યાન ભટકી ગયું નહોતું. હું ક્રીઝ પર હતો ત્યારે સ્ટોક્સ દબાણમાં હતો, હું નહીં. એ શું બોલતો હતો એ મને યાદ નથી, પરંતુ એ કંઈ ખરાબ નહોતો બોલ્યો, પણ સતત બોલતો રહ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝને જીત માટે પાંચમા અને આખરી દિવસે 200 રનનો ટાર્ગેટ હતો. ટીમે બીજા દાવમાં 12 ઓવરમાં માત્ર 27 રનના સ્કોર પર જ 3 વિકેટ ખોઈ દીધી હતી, પરંતુ બ્લેકવૂડને રોસ્ટન ચેઝ તથા શેન ડાઉરીચ તરફથી મળેલા ટેકાની મદદથી વેસ્ટ ઈન્ડિઝ વિજય મેળવી શક્યું હતું. ટીમને જીત માટે 11 રનની જરૂર હતી ત્યારે જ બ્લેકવૂડ આઉટ થયો હતો. એ પાંચ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો.
સમગ્ર દાવ દરમિયાન ધીરજ જાળવી રાખવા માટે બ્લેકવૂડની ટીમના મુખ્ય કોચ ફિલ સિમન્સે પ્રશંસા કરી હતી.
એમણે કહ્યું કે બ્લેકવૂડનું ધ્યાન ભટકાવવા માટે સ્ટોક્સ આવું કરશે એવું મેં ધાર્યું નહોતું. એવી સ્થિતિમાં પોતાનું ધૈર્ય જાળવી રાખવા બદલ બ્લેકવૂડની પ્રશંસા કરવી પડે. આ બતાવે છે કે એની માનસિકતામાં ઘણો સુધારો આવ્યો છે.