મુંબઈઃ ઓસ્ટ્રેલિયાનો અનુભવી સ્ટાર બેટર અને ઓપનર ડેવિડ વોર્નર ભારત સામેની આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં નહીં રમે. તે ઉનાળાની મોસમની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવા માટે સ્વદેશ પાછો જતો રહ્યો છે. તે ટેસ્ટ શ્રેણી નિવૃત્તિ પૂર્વે, એની કારકિર્દીની આખરી હશે એવી તે પોતે જ જાહેરાત કરી ચૂક્યો છે. હાલમાં જ સમાપ્ત થયેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં વોર્નર ઓસ્ટ્રેલિયાનો નંબર-1 સ્કોરર રહ્યો હતો. એણે 11 મેચોમાં 48.63ની સરેરાશ સાથે 535 રન કર્યા હતા. વોર્નરની જગ્યાએ ઓલરાઉન્ડર આરોન હાર્ડીને પસંદ કરવામાં આવ્યો છે.
વોર્નર સ્વદેશ જતો રહેતાં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી હવે માત્ર સાત જ ખેલાડી ભારત સામેની ટ્વેન્ટી-20 શ્રેણી રમવા માટે ભારતમાં રોકાયા છે. આ ખેલાડીઓ છેઃ ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિશ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, એડમ ઝેમ્પા અને શોન એબટ. રિઝર્વ સ્પિનર તનવીર સાંઘા પણ ભારતમાં રોકાયો છે. વોર્નરની જગ્યાએ ટ્રેવિસ હેડ સાથે સ્મિથ દાવનો આરંભ કરે એવી ધારણા છે.
15-સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમઃ
મેથ્યૂ વેડ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, ગ્લેન મેક્સવેલ, ટીમ ડેવિડ, નેથન એલિસ, આરોન હાર્ડી, જોશ ઈંગ્લિશ (વિકેટકીપર), કેન રિચર્ડસન, મેટ શોર્ટ, જેસન બેહરનડોર્ફ, શોન એબટ, એડમ ઝેમ્પા, તનવીર સાંઘા.
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે પાંચ T20I મેચો રમાશે. કાર્યક્રમ નીચે મુજબ છેઃ
પહેલી T20I મેચ – 23 નવેમ્બર – વિશાખાપટન
બીજી T20I મેચ – 26 નવેમ્બર – તિરુવનંતપુરમ
ત્રીજી T20I મેચ – 28 નવેમ્બર – ગુવાહાટી
ચોથી T20I મેચ – 1 ડિસેમ્બર – રાયપુર
પાંચમી T20I મેચ – 3 ડિસેમ્બર – બેંગલુરુ