રાવલપીંડીઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે પાકિસ્તાનનો પ્રવાસ ફરી નિરાશાજનક રહ્યો છે. ટીમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવા પાકિસ્તાન આવી છે. પહેલી ટેસ્ટ મેચ અહીં આવતી કાલથી શરૂ થઈ રહી છે, પણ એ પહેલાં જ ઈંગ્લેન્ડની ટીમ કોઈક વાઈરસનો શિકાર બની ગઈ છે.
કેપ્ટન બેન સ્ટોક્સ સહિત ઈંગ્લેન્ડના ઘણા ક્રિકેટરોએ નાદુરસ્ત તબિયતને કારણે આજે તાલીમ સત્રમાં ભાગ લીધો નહોતો. ભૂતપૂર્વ કેપ્ટન અને સિનિયર બેટર જો રૂટ તથા અન્ય ચાર ખેલાડીઓએ તાલીમ સત્રમાં ભાગ લીધો હતો. બાદમાં એણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારી ટીમના કેટલાક ખેલાડીઓને તેઓ 100 ટકા સાજા હોય એવું લાગતું નથી. મને પણ ગઈ કાલે સારું નહોતું લાગતું, પણ જે સવારે જાગ્યો ત્યારે તબિયત સારી લાગી હતી. તેથી એવી આશા રાખું છું કે વાઈરસ 24-કલાકવાળો હશે. મને નથી લાગતું કે કોઈ પ્રકારનું ખોરાકી ઝેર થયું હોય કે કોરોના કે એવી કોઈ બીમારી લાગુ પડી હોય. અમે આવતીકાલની મેચ રમવા સંપૂર્ણપણે સુસજ્જ થઈ જઈએ એ માટેના તમામ પ્રયાસો ચાલુ છે.
ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે રાવલપીંડી, મુલતાન અને કરાચીમાં ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ 2005 પછી આ પહેલી જ વાર ટેસ્ટ શ્રેણી રમવા પાકિસ્તાન આવી છે. ટીમ ગયા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સાત-મેચની ટ્વેન્ટી-20 શ્રેણી રમવા પાકિસ્તાન આવી હતી. ત્યારે પણ એમને જમવાની બાબતમાં તકલીફો પડી હતી. તેના ઘણા ખેલાડીઓ બીમાર પડી ગયા હતા. તેથી આ વખતે તેઓ પોતાનો રસોઈઓ સાથે લઈને આવ્યા છે.