કોલકાતાઃ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહેલા મહાન બેટર વિરાટ કોહલીએ બહુપ્રતિક્ષિત પરાક્રમ આજે પૂરું કરી બતાવ્યું છે. અહીં ઈડન ગાર્ડન્સ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાતી વર્લ્ડ કપ-2023 લીગ મેચમાં એણે સદી ફટકારી છે, જે તેની કારકિર્દીની 49મી છે. આ સાથે તેણે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે, 49 સદી ફટકારવાના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરની સિદ્ધિની બરોબરી કરી છે.
289મી વન-ડે મેચ રમી રહેલા કોહલીએ આજે ભારતના દાવની 46મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી, જે તે આ જ વર્લ્ડ કપમાં બે વાર ચૂકી ગયો હતો. ગઈ બીજી નવેમ્બરે શ્રીલંકા સામેની મેચમાં તે 88 રને આઉટ થયો હતો અને એ પહેલાં, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 95 રનના સ્કોર પર આઉટ થયો હતો. કોહલીએ આજે 119 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ તેની સદી પૂરી કરી ત્યારે ભારતનો સ્કોર 49મી ઓવરમાં પાંચ વિકેટે 306 રન હતો. કેપ્ટન રોહિત શર્મા 40, શુભમન ગિલ 23, શ્રેયસ ઐયર 77, કે.એલ. રાહુલ 8 અને સૂર્યકુમાર યાદવ 22 રન કરીને આઉટ થયો હતો. ભારતનો દાવ આખરે 50 ઓવરમાં પાંચ વિકેટે 326 રને સમાપ્ત થયો હતો. કોહલી 101 અને રવિન્દ્ર જાડેજા 29 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
કોહલીએ વન-ડે ક્રિકેટમાં 13,625 રન કર્યા છે. તેણે 111 ટેસ્ટમાં 29 સદી સાથે 8,676 રન કર્યા છે અને 115 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 4,008 રન કર્યા છે.