ભારતના બોલરો સામે સાઉથ આફ્રિકાના બેટર્સના બેટ પૂઠાંના સાબિત થયા

કોલકાતાઃ આજે વિરાટ કોહલીની ઐતિહાસિક 49મી ODI સદી જોયા બાદ અહીંના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોને ભારતના બોલરોએ ઘેલાં કરી દીધા. કોહલીના અણનમ 101 રનના જોરે ભારતે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ-2023 મેચમાં પોતાના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટે 326 રન કર્યા બાદ ભારતના બોલરોએ એક વધુ ધમાકેદાર પરફોર્મન્સ બતાવીને આફ્રિકાના બેટર્સની હાલત ખરાબ કરી નાખી હતી. ટેમ્બા બવૂમાના નેતૃત્ત્વ હેઠળની ટીમ માત્ર 27.1 ઓવર રમી શકી અને 83 રનમાં ઓલઆઉટ થઈને મેચ 243 રનથી હારી ગઈ. ટીમમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર રહ્યો 14 રન – માર્કો યાન્સનનો.

ભારતની જેમ સ્પર્ધાની સેમી ફાઈનલમાં પહોંચી ગયેલી સાઉથ આફ્રિકાની ટીમે આજે અત્યંત ખરાબ, અપેક્ષાવિહોણી બેટિંગ કરી. ભારતના જુસ્સાદાર બોલરોનો સામનો કેવી રીતે કરવો એની તેના બેટર્સને ખબર જ પડી નહોતી. ટીમના અત્યંત ખતરનાક અને ઈન-ફોર્મ બેટર, ઓપનર-વિકેટકીપર ક્વિન્ટન ડી કોક (5)ને મોહમ્મદ સિરાજે ક્લીન બોલ્ડ કર્યા બાદ આફ્રિકન ટીમની દશા બેઠી હતી. બવૂમા (11)ને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરીને મોટું અપસેટ સર્જ્યું હતું. તે પછી નિયમિત રીતે વિકેટ પડતી જ રહી. આફ્રિકાના ધરખમ બેટર્સ, જેવા કે, રાસી વાન ડેર ડુસેન (13), એડન મારક્રમ (9), હેનરીક ક્લાસેન (1) અને ડેવિડ મિલર (11) વામણા પુરવાર થયા.

જાડેજાએ 9 ઓવર ફેંકી જેમાં 33 રન આપીને 5 વિકેટ લીધી – બવૂમા, ક્લાસેન, મિલર, કેશવ મહારાજ (7) અને કેગીસો રબાડા (6). શમીએ વાન ડેર ડુસેન અને મારક્રમને આઉટ કર્યા તો, ડાબોડી ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે યાન્સન અને લુન્ગી એનગીડી (0)ને તંબૂ ભેગા કર્યા.

10-ટીમવાળી સ્પર્ધામાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમનો આ સતત 8મો વિજય છે. હવે 12 નવેમ્બરે ભારતીયો નેધરલેન્ડ્સ સામે થશે, જે તેમની આખરી લીગ મેચ હશે. સાઉથ આફ્રિકા તેની આખરી લીગ મેચ 10 નવેમ્બરે અમદાવાદમાં અફઘાનિસ્તાન સામે રમશે. રાઉન્ડ રોબિન તબક્કાને અંતે ટોચની ચાર ટીમ સેમી ફાઈનલમાં રમશે. ભારત, સાઉથ આફ્રિકા ઉપરાંત અન્ય બે સ્થાન માટે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રસાકસી જામી છે.  પહેલી સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી સેમી ફાઈનલ 16 નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં રમાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.