BCCIને IPL મિડિયા રાઇટ્સથી રૂ. 35,000 કરોડ મળવાની અપેક્ષા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCIએ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની વચ્ચે આવતાં પાંચ વર્ષ માટે આ ટુર્નામેન્ટના મિડિયા રાઇટ્સ વેચવા માટે ટેન્ડર જારી કરવાની જાહેરાત કરી છે. BCCIએ કહ્યું છે કે 25 ઓક્ટોબરે એ 2023થી 2027 ની IPL માટે મિડિયા રાઇટ્સ માટે ટેન્ડર જારી કરશે.

હાલમાં સ્ટાર ઇન્ડિયાની પાસે IPLના મિડિયા રાઇટ્સ છે. એણે 2017માં 2022 સુધી મિડિયા રાઇટ્સ રૂ. 16,347 કરોડમાં હાંસલ કર્યા હતા. જોકે આ વખતે BCCIને મિડિયા રાઇટ્સથી રૂ. 30થી 35,000 કરોડ મળવાની અપેક્ષા છે. મિડિયા રાઇટ્સ મેળવવાની રેસમાં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો, ફેસબુક અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓ પણ સામેલ છે. આ સિવાય સૌથી મોટા બોલીદાતાના રૂપમાં સોની અને ઝી એન્ટરટેઇનમેન્ટનું નામ પણ ચર્ચામાં છે. જોકે આ વખતે બંને મળીને બોલી લગાવશે. હાલ એક મેચના પ્રસારણના અધિકારની કિંમત રૂ. 54.5 કરોડ છે. સ્ટાર ઇન્ડિયા BCCIને આટલી રકમ આપી રહી છે. આવતા ટેન્ડરમાં એ રકમ બેઝ પ્રાઇસ હશે.

BCCI જે IPLની ગવર્નિંગ બોડી છે. આ મહિનાના અંતમાં ટેન્ડર જારી કરે એવી શક્યતા છે. ઝી એન્ટરટેઇનમેન્ટમાં મર્જ્સ અને હસ્તાંતરણ ના વડા વિકાસ સોમાનીએ કહ્યું હતું કે ગેમ્સ એવું ક્ષેત્ર છે, જેના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવવો જોઈએ. જે દર્શકોનો વ્યાપ તો વધારશે, પણ ડિજિટલ પ્લેટફોર્મ પરની સામગ્રીની રજૂઆતને પણ સમૃદ્ધ કરશે.

10થી વધુ ભાષાઓમાં આશરે 75 સમાચાર, મનોરંજન, ગેમ્સ અને મુવી ચેનલોની સાથે સોની-ઝી એલાયન્સ આ ક્ષેત્રે ભારતનું સૌથી મોટું પ્લેયર બની ગયું છે. એનો બજાર હિસ્સો 27 ટકાથી વધુ છે. જ્યારે ડિઝનીના સ્ટાર ઇન્ડિયાનો બજાર હિસ્સો 24 ટકા છે. IPLના મિડિયા રાઇટ્સ ઈ-ઓક્શન દ્વારા વેચવામાં આવશે.