મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીને BCCIએ ફટકાર્યો દંડ, જાણો કારણ?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. આ જીત સાથે બેંગલુરુએ 4 મેચમાં ત્રીજી સફળતા મેળવી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને 5 મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ શાનદાર જીત બાદ પણ RCBના કેપ્ટન રજત પાટીદાર માટે ખરાબ સમાચાર આવ્યા છે. BCCIએ તેમના પર સ્લો ઓવર રેટના કારણે દંડ લગાવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન બેંગલુરુની ટીમે ઓવર રેટમાં ધીમી ગતિ જાળવી હતી. આ સિઝનમાં ટીમનું આ પ્રથમ ઉલ્લંઘન હોવાથી, IPLની આચારસંહિતાની કલમ 2.22 હેઠળ પાટીદાર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે તેઓ સ્લો ઓવર રેટ માટે દંડ ભોગવનારા ચોથા કેપ્ટન બન્યા છે. અગાઉ હાર્દિક પંડ્યા, રિયાન પરાગ અને ઋષભ પંત પણ આવી સજાનો ભોગ બની ચૂક્યા છે.

મેચમાં રજત પાટીદારે શાનદાર બેટિંગ કરી અને માત્ર 32 બોલમાં 64 રન ફટકાર્યા, જેના કારણે તેઓ પ્લેયર ઓફ ધ મેચ બન્યા. બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલી (67) અને પાટીદારની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 221 રનનો સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ 209 રન સુધી જ પહોંચી શકી. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ ઝડપી અને મુંબઈને ટાર્ગેટથી દૂર રાખ્યું. મુંબઈ તરફથી તિલક વર્માએ 56 રન બનાવ્યા, પરંતુ તે પણ ટીમને જીત અપાવી શક્યો નહીં. આ જીત સાથે બેંગલુરુએ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થાન મેળવ્યું છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ સંઘર્ષમાં દેખાઈ રહી છે. પાટીદારની આગેવાનીમાં બેંગલુરુએ વાનખેડેમાં દસ વર્ષ બાદ મુંબઈ સામે જીત મેળવી, પરંતુ સ્લો ઓવર રેટના કારણે દંડે તેમની આ જીતની ચમકને થોડી ઝાંખી કરી દીધી.