ક્રિકેટ-બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હવે કાયમી

મુંબઈઃ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ક્રિકેટ મેચો દરમિયાન બોલ પરની ધૂળ સાફ કરવા માટે થૂંક લગાડવાની રીત પર કાયમને માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આઈસીસીએ અનેક નવા નિયમોને અમલમાં મૂક્યા છે. એને કારણે ક્રિકેટની રમત વધારે ઝડપી બનશે.

ગાંગુલીની આગેવાની હેઠળની મેન્સ ક્રિકેટ કમિટીએ કરેલી ભલામણોને ચીફ એક્ઝિક્યૂટિવ્સ કમિટીએ મંજૂરી આપી દીધી છે. નવા નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં આ નિયમો લાગુ થશે. દુનિયાભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારી ફેલાયા બાદ આઈસીસીએ ક્રિકેટ મેચોમાં બોલ પર થૂંક લગાડવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો. તેને હવે કાયમી બનાવી દીધો છે.

એક અન્ય નવો નિયમ એ છે કે બોલર બોલ ફેંકવા માટે દોડવાનું શરૂ કરે તે પછી ફિલ્ડિંગ ટીમનો કોઈ પણ ખેલાડી બેટરની એકાગ્રતાને ભંગ કરવા માટે કોઈ અયોગ્ય કે ઈરાદાપૂર્વકની હિલચાલ કરશે તો અમ્પાયર બેટિંગ ટીમને પાંચ પેનલ્ટી રન આપશે. તે ઉપરાંત બોલરે ફેંકેલા તે બોલને ‘ડેડ બોલ’ તરીકે પણ જાહેર કરશે.

એક અન્ય નિયમઃ કેચ પકડાઈ રહ્યો હોય એ વખતે બંને બેટર દોડતા હોય છે. એમાંનો સ્ટ્રાઈકર બેટર કેચઆઉટ થાય એટલે નવો બેટર ક્રીઝ પર આવે છે. પરંતુ, નવા બેટરે એ જ છેડે જવાનું રહેશે જ્યાં આઉટ થનાર બેટર રહ્યો હોય. ભલે પછી બેઉ બેટર કેચ પકડાય એ પહેલાં એકબીજાને ક્રોસ કરી ચૂક્યા હોય.