પ્રતિભાને પોંખવાની પળ…

(સમીર પાલેજા)

‘આ શબ્દ યજ્ઞમાં આપણે બધા પાવલું પાવલું ઘી ઉમેરવા આવ્યા છીએ…’

જાણીતા કથાકાર મોરારીબાપુના આ કથનને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. પ્રસંગ હતો ‘જન્મભૂમિ’ વર્તમાનપત્રોના ભૂતપૂર્વ તંત્રી હરીન્દ્ર દવેની સ્મૃતિમાં પ્રતિ વર્ષ આપવામાં આવતા પારિતોષિક એનાયત કરવાનો. વર્ષ 2021નું આ સમ્માન કવિ-ગઝલકાર નીતિન વડગામા, પાર્શ્વગાયક મનહર ઉધાસ તથા ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રીને આપવામાં આવ્યું. 

મોરારિબાપુ કહે કે, ‘સ્વ. હરીન્દ્રભાઈની સ્મૃતિમાં દર વર્ષે યોજાતા આ સાત્વિક પ્રસંગમાં લગભગ મારી ઉપસ્થિતિ રહી છે એનો આનંદ છે. આજે પોંખાઈ રહેલા ત્રણેય સર્જકોના સર્જનનું કેન્દ્રબિંદુ શબ્દ છે. આપણો ઋષિ શબ્દબ્રહ્મ છે. શબ્દને વેડફતા વાર લાગતી નથી, પણ શબ્દ અપરાધનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી.’

યુવા ગાયક રાઘવ દવેએ હરીન્દ્રભાઈની રચના રજૂ કરી કાર્યક્રમનો માહોલ બાંધ્યો અને એ જ માહોલને આગળ વધારતા કાવ્યમર્મી અને ‘કવિતા’ સામાયિકના તંત્રી રમેશ પુરોહિતે સાહિત્ય વિભાગના પારિતોષિક વિજેતા કવિ-ગઝલકાર નીતિન વડગામાનો પરિચય આપતા કહ્યું: ‘એમના સર્જનમાં ગેરુઓ રંગ અર્થાત અધ્યાત્મ વધારે છલકાય છે. સામાન્ય માણસને સમજાય એવી સરળ ભાષામાં એ ગહન વિચારો રજૂ કરે છે. નીતિનભાઈએ ભાષા અને સાહિત્યના વિકાસ તથા સંવર્ધન માટે વિવેચન, સંશોધન, સંપાદનમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે તથા અનેક તેજસ્વી વિદ્યાર્થી પણ તૈયાર કર્યા છે.’

નીતિનભાઈ પ્રતિભાવમાં કહે કે, ‘એવૉર્ડ મળે એટલે સર્જકના શબ્દનો વ્યાપક સ્વીકાર થયો છે એમ કહી શકાય. સ્વ. હરીન્દ્ર દવેના મૃદુ વ્યક્તિત્વ અને એમની કવિતાની મુલાયમતાનો મને વિદ્યાર્થી અવસ્થામાં જ પરિચય હતો એટલે જ એવૉર્ડ કોના નામનો છે અને કોના હસ્તે અપાય રહ્યો છે એનું વિશેષ મહત્ત્વ છે.’

આ પ્રસંગે ‘જન્મભૂમિ’ જૂથના મૅનેજિંગ તંત્રી અને સીઈઓ કુન્દન વ્યાસ કહે કે, ‘હરીન્દ્રભાઈની સ્મૃતિમાં અપાતા આ એવોર્ડ માટે પત્રકારનું ચયન મુશ્કેલ હતું કેમ કે ગૂગલને ગુરુ માનતા, ચોવીસેય કલાક ચર્ચા-ઉશ્કેરણી કરતા અને સોશિયલ મિડિયા પાછળ દોટ મૂકતા પત્રકારોમાં જળકમળવત રહ્યા હોય એમને શોધવાના હતા.   ‘

કેતન મિસ્ત્રીનો પરિચય આપતા કુંદનભાઈ કહે કે, ‘સંશોધન આધારિત પ્રવાસલેખોમાં કેતનનું પ્રદાન અનન્ય છે. જેમ કે, દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બ્લડ ડાયમન્ડનો ધ્રુજારીભર્યો ચિતાર લઈ આવ્યા હતા. એમણે ડૉ. અબ્દુલ કલામનો પણ સ-રસ ઈન્ટરવ્યૂ કર્યો હતો. કેતન મિસ્ત્રીના લેખો ‘ચિત્રલેખા’ની મોટી સંપત્તિ છે.’

જાણવા જેવી વાત એ છે કે યુવાવસ્થામાં કેતન મિસ્ત્રી પોતે શોખથી દોરેલા કાર્ટૂન હરીન્દ્ર દવેને દેખાડવા ગયા ત્યારે હરીન્દ્રભાઈએ એમને કહેલું કે, ‘તમારા કાર્ટૂન હું છાપું તો ખરા, પણ એમાં તો જાણીતા કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણની ઝલક દેખાય છે. તમે તમારી ઓળખ ઊભી થાય એવા કાર્ટૂન બનાવો.’

કેતન મિસ્ત્રી કહે કે, ‘કારકીર્દીના આરંભે દીવો, જે પ્રકાશ દેખાડે તથા દીવાદાંડી, જે દિશાસૂચન કરે એવા પ્રેરણાસ્ત્રોતની જરૂર હોય છે. વર્ષો પહેલાં હું સમકાલીનમાં નોકરી માગવા ગયો ત્યારે હસમુખભાઈ ગાંધીની સામે હજી તો કાગળ પર મારું નામ લખી રહું ત્યાં તો એમણે કાગળ ઝૂંટવીને કહી દીધેલું કે અટકની જોડણી ખોટી લખે એવા માણસની મારે જરૂર નથી.’ અલબત્ત, પછી સમકાલીનમાં વારંવાર કાન આમળનારા હસમુખ ગાંધી અને જીતુભાઈ ઠાકરના હાથ નીચે કેતન મિસ્ત્રી ઘડાયા. સમય જતાં ‘ચિત્રલેખા’માં આવ્યા ત્યારે મધુરીબહેન કોટકની નિષ્ઠાથી એ પ્રભાવિત અને પ્રેરિત થયા.

પ્રસિદ્ધ ગાયક મનહર ઉધાસને પણ કારકિર્દીની શરૂઆતે કલ્યાણજી-આણંદજીના રૂપમાં મેન્ટોર મળ્યા હતા. સાવરકુંડલામાં જન્મેલા મનહર ઉધાસ 1969માં કલ્યાણજી-આણંદજી જોડે કામ કરતા ત્યારે એક રેકોર્ડિંગમાં ગાયક મુકેશ ન આવ્યા ત્યારે એમણે ડમી તરીકે મનહર પાસે ગીત ગવડાવ્યું, પાછળથી મુકેશે એ સાંભળ્યું ત્યારે એમને એટલું ગમ્યું કે મનહરનો જ અવાજ રાખવાનો આગ્રહ રાખ્યો. 

ઉસ્તાદ તાજ એહમદ, ફૈયાઝ એહમદ, ચત્રભુજ રાઠોડ જેવા ધુરંધરો પાસે તાલીમ લેનારા મનહર ઉધાસે ‘અ’ અક્ષરથી શરૂ થાય એવા 36 ગુજરાતી ઉપરાંત બીજા 187 આલ્બમ આપ્યા છે. 3500 જેટલા તો પ્લેબેક કર્યા છે. કિશોરકુમાર, મોહમ્મદ રફીના નામે અપાતા એવૉર્ડ સહિત અનેક માન-સમ્માન એમને મળ્યા છે. 1973માં એમણે હરીન્દ્રભાઈની ગઝલનો પોતાના આલ્બમમાં સમાવેશ કર્યો હતો. 

મનહરભાઈએ કહે છે કે, ‘એવૉર્ડ ગમે તેટલા મળ્યા હોય, પણ પોતાના સમાજ દ્વારા પોંખાવાની ઘટના અમૂલ્ય હોય છે. હું માનું છું કે ગુજરાતી ગઝલકારો અન્ય ભાષાના સર્જકો કરતા કોઈ રીતે ઊતરતા નથી. જર્મન રેકૉર્ડ કંપની પોલિડોર ભારતમાં આવી ત્યારે એમના સંલગ્ન પ્લેબેક સિંગર તરીકે મેં પહેલું આલ્બમ ગુજરાતીમાં કરવાનો જ આગ્રહ રાખ્યો હતો. ‘

ત્રણેય સમ્માનાર્થીનું મોરારિબાપુના હસ્તે રૂપિયા 51000નો ચેક, પ્રમાણપત્ર અને શાલથી સમ્માન કરવામાં આવ્યું હતું. મૌન પાળવાનો દિવસ હોવા છતાં શબ્દપ્રેમી સાધુ મોરારીબાપુએ મંચ પરથી આશીર્વચન આપીને દર્શકોને ભાવવિભોર કર્યા. 

મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમને સંચાલક સ્નેહલ મુઝુમદારે દલપતરામની શૈલીમાં તત્કાળ કાવ્યપંક્તિઓ રચીને એકસૂત્રે બાંધી રાખ્યો. લોકપ્રિય લેખિકા વર્ષા અડાલજા, કટારલેખક-વક્તા જય વસાવડા, ભવન્સ કલા કેન્દ્રના સલાહકાર તથા ગુજરાતી રંગભૂમિ-ચિત્રપટના એન્સાઈક્લોપીડિયા સમા નિરંજન મહેતા ઉપરાંત ‘ચિત્રલેખા’ના સંચાલકો મૌલિક કોટક-મનન કોટક હાજર હતા.  

(તસવીરો: દીપક ધુરી)