ઝોમેટો ડિલિવરી બોયે તરુણીને જબરદસ્તીથી કિસ કરી

પુણેઃ જમવાનું પાર્સલ લઈને આવેલા ઝોમેટો કંપનીના એક ડિલિવરી બોયે તરુણીને જબરદસ્તીથી ચુંબન કર્યાની ઘટના પુણે શહેરમાં બની છે. એક મીડિયા અહેવાલ અનુસાર, ગયા શનિવારે રાતે પુણે શહેરના યેવલેવાડી વિસ્તારમાં આવેલી એક નામાંકિત હાઉસિંગ સોસાયટીમાં આ ઘટના બની હતી. પોલીસે એ યુવક વિરુદ્ધ વિનયભંગની ફરિયાદ નોંધી છે અને એને અટકમાં લીધો છે. યુવકનું નામ રઈસ શેખ છે અને તે 40 વર્ષનો છે. ઝોમેટો એપનો તે યુવક પાર્સલ ડિલિવર કરવા પહોંચ્યો ત્યારે 19 વર્ષીય છોકરી એનાં ઘરમાં એકલી હોવાનું જાણી એને જબરદસ્તીથી કિસ કરી હતી.

પીડિત છોકરી એક નામાંકિત કંપનીમાં નોકરી કરે છે. મોડી સાંજે ઘેર પહોંચ્યાં બાદ એણે ઝોમેટો એપ મારફત જમવાનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય રઈસ શેખ પાર્સલ લઈને પહોંચ્યો હતો. પાર્સલ આપ્યા બાદ શેખે તરુણી પાસે પીવાનું પાણી માગ્યું હતું. છોકરીએ એને પાણી આપ્યું હતું. એ પછી એણે થેંક્યૂ કહેવા માટે છોકરીનો હાથ પકડ્યો હતો અને એનાં ગાલ પર બે વાર કિસ કરી હતી. છોકરીએ હાથ છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો, પણ શેખે તે જોરથી પકડી રાખ્યો હતો. એને કારણે ગભરાઈ ગયેલી તરુણીએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.