મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ

નવી દિલ્હીઃ ED કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ED એ રોબર્ટ વાડ્રા સહિત 11 લોકોને આરોપી બનાવ્યા છે.

શું છે શિકોહપુર લેન્ડ સ્કેમ?

વર્ષ 2008માં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડે ગુરુગ્રામ (પહેલાં ગુડગાંવ)ના શિકોહપુર ગામમાં આશરે 3.53 એકર જમીન રૂ. 7.5 કરોડમાં ખરીદી હતી. તે સમયે હરિયાણા રાજ્યના CM ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હતા. આ જમીન પર કોમર્શિયલ કોલોની વિકાસનું લાયસન્સ મળ્યું, પણ કંપનીએ એને ડેવલપ કર્યો નહોતો. સપ્ટેમ્બર, 2012માં આ જમીન લગભગ રૂ. 58 કરોડમાં રિયલ એસ્ટેટ કંપની DLF ને વેચી દેવામાં આવી.

ગુરુગ્રામ પોલીસે 1 સપ્ટેમ્બર 2018એ FIR નંબર 288 હેઠળ કેસ નોંધ્યો હતો, જેમાં આરોપ લગાવાયો હતો કે રોબર્ટ વાડ્રાએ 3.53 એકર જમીન છેતરપિંડીથી ખરીદી હતી. આ જમીન તેમણે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 12 ફેબ્રુઆરી 2008એ ખરીદી હતી અને તેમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવાના આરોપ છે.

શું છે આરોપ?

આરોપ છે કે જમીન ઓછી કિંમતમાં ખરીદીને વધુ નફો રળવામાં આવ્યો અને તેનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો. ફરિયાદી સુરેન્દ્ર શર્માએ ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં 2018ના સપ્ટેમ્બરમાં IPC કલમ 420 અને 467 હેઠળ છેતરપિંડી અને દસ્તાવેજોમાં ખોટાભર્યા આરોપોની ફરિયાદ નોંધાવી હતી.હવે આ કેસમાં ED એ 16 જુલાઈ 2025ના રોજ રોબર્ટ વાડ્રા અને તેમની કંપનીઓ જેવી કે સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડની કુલ 43 સ્થાવર મિલકતો (અંદાજિત કિંમત રૂ. 37.64 કરોડ)ને અસ્થાયી રીતે અટેચ કરી છે.

તે બાદ 17 જુલાઈ 2025એ નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 11 લોકો/સંસ્થાઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં રોબર્ટ વાડ્રા, તેમની કંપનીઓ, સત્યાનંદ યાદી, કેવલસિંહ વિરક અને તેમની કંપની ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડનાં નામ સામેલ છે.