મુંબઈઃ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ભારતના કેપ્ટન તરીકે નિમાયેલા રોહિત શર્માએ કહ્યું છે કે કોરોનાવાઈરસ સામે સુરક્ષિત એવા વાતાવરણમાં બધી ફોર્મેટની મેચો રમવામાં એને કોઈ તકલીફ નથી. ઘરઆંગણે શ્રીલંકા સામે ત્રણ-મેચની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણી પૂર્વે રોહિતે કહ્યું છે કે મને જ્યારે જરૂરી લાગશે ત્યારે બ્રેક લઈશ. રોહિતે એમ પણ કહ્યું કે ત્રણેય ફોર્મેટમાં મને દેશનો કેપ્ટન બનાવાયો એને હું મારું ગૌરવ સમજું છું. હવે મારી સમક્ષ ઘણા નવા પડકારો છે. દેશને સફળતા અપાવવા હું ઉત્સૂક છું.
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ત્રણ ટ્વેન્ટી-20 મેચ 24 ફેબ્રુઆરી (લખનઉ), 26 અને 27મીએ ધરમસાલામાં રમાશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે – 4 માર્ચથી મોહાલીમાં અને 12 માર્ચથી બેંગલુરુમાં. ભારતીય ટીમનો વાઈસ-કેપ્ટન જસપ્રિત બુમરાહ છે, જે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પણ રોહિતનો સાથી છે.