નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ-2023 માટે BCCIએ ભારતીય ટીમનું એલાન કર્યું છે. ભારતીય સિલેક્ટર્સે બધાને ચોંકાવતાં આ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથોમાં સોંપી છે. જ્યારે IPL 2023માં સારો દેખાવ કરનારા ક્રિકેટરોને ટીમમાં સામેલ કર્યા છે.
એશિયન ગેમ્સ-2023 માટે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવાનો નિર્ણય ઘણો ચોંકાવનારો તો છે, કેમ કે એવું માનવામાં આવતું હતું કે શિખર ધવનને આ ટુર્નામેન્ટ માટે ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવશે. જોકે ઋતુરાજને IPL-2023 અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરવા બદલ બેવડું ઇનામ આપવામાં આવ્યું છે.
NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…
— BCCI (@BCCI) July 14, 2023
વેસ્ટ ઇન્ડીઝની સામે થનારી T-20 સિરીઝ માટે રિંકુ સિંહને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો, પરંતુ એશિયન ગેમ્સ-2023 માટે રિન્કુ સિંહને એશિયન ગેમ્સ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત IPLમાં સારો દેખાવ કરનારા-જિતેશ શર્મા, તિલક વર્મા, રાહુલ ત્રિપાઠી, પ્રભાસિમસન સિંહ, શિવમ માવી અને મુકેશ કુમાર જેવા ક્રિકેટરોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સાથે આ ટીમમાં શિવમ દુબેની લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી થઈ છે. દુબેએ IPLમાં CSK વતી સુંદર દેખાવ કર્યો હતો. આ સાથે વોશિંગ્ટન સુંદર પણ T20 ટીમમાં કમબેક કરવામાં સફળ રહ્યો હતો. એશિયન ગેમ્સ-2023 માટે શિખર ધવનને ટીમમાં સામેલ નથી કર્યો, જ્યારે ધવનને 2022માં છેલ્લી વનડે મેચ રમી હતી અને છેલ્લી T20 વર્ષ 2021માં રમી હતી. આ સાથે દીપક હુડ્ડા અને વેંકટેશન ઐયરને એશિયન ગેમ્સની ટીમ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.