મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના કાર્યકારી બોર્ડે આ વર્ષે નિર્ધારિત એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો દુનિયાભરમાં થયો હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે.
એશિયા કપ સ્પર્ધા આ વર્ષના સપ્ટેંબરમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો હાલ બગડ્યા હોવાથી ભારતે પોતાની ટીમને પાકિસ્તાનમાં ન મોકલવાનો નિર્ણય લીધો છે. પરિણામે આ સ્પર્ધા યુએઈમાં યોજાય એવી ધારણા છે.
હવે આવતા ઓક્ટોબર-નવેંબરમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા વિશે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) શું નિર્ણય લે છે એના આધારે એસીસી એશિયા કપ વિશેનો નિર્ણય લેશે.
એસીસીના બોર્ડ સભ્યોએ ગઈ કાલે વિડિયો પરિષદ દ્વારા મીટિંગ યોજી હતી. એમાં ભારત તરફથી બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે ભાગ લીધો હતો.
એસીસી દ્વારા સોમવારે રાતે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ રોગચાળાની અસર અને એના પરિણામોને ધ્યાનમાં રાખીને એશિયા કપ-2020 માટેના સંભવિત સ્થળોના વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વિશેનો આખરી નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.
હવે એસીસીના બોર્ડ સભ્યો આ મહિનાના અંત ભાગમાં ફરી મળશે અને ચર્ચા કરશે એવી ધારણા છે.