…ત્યાં સુધી ક્રિકેટ પહેલા કરતાં અલગ રહેશેઃ દ્રવિડ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસે દરેકની જીવનશૈલીમાં ધરખમ બદલાવ કર્યો છે. જ્યાં સુધી વેક્સિન ના આવે અને વિશ્વને આત્મવિશ્વાસ ના થાય ત્યાં સુધી ક્રિકેટ સહિત દરેક પ્રકારની સ્પોર્ટ્સમાં સાવધાની જરૂરી છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું છે કે જ્યાં સુધી કોરોના વાઇરસની રસી ના આવે ત્યાં સુધી ક્રિકેટ પહેલાં કરતા અલગ હશે. હું કોઈ મેડિકલ પ્રોફેશનલ નથી, પણ મેં સાંભળ્યું છે કે વાઇરસ લાંબા સમય સુધી જવાનો નથી, પરંતુ એક સમય એવો આવશે, જ્યારે આપણે એની સામે સારી રીતે લડી શકીશું. ત્યાં સુધી ક્રિકેટ ઘણી અલગ થવાની છે. મને લાગે છે કે ક્રિકેટ કેટલાય પ્રકારે જીવનનો પડછાયો છે, એટલે હું એને એનાથી પ્રભાવિત થયા વિના નથી જોઈ રહ્યો, એમ તેણે કહ્યું હતું.

ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝથી કસોટી સાબિત થશે

ક્રિકેટ જે રીતે રમાય છે અને જશ્ન મનાવવાથી માંડીને ડ્રેસિંગ રૂમની પદ્ધતિઓ સુધી બધું પ્રભાવિત થવાનું છે. આગામી મહિને ઇંગલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. એની સાથે કોવિડ-19ના સમયગાળામાં ક્રિકેટ મેચ રમાવાની શરૂઆત થશે. આ સિરીઝ બાયો સિક્યોર વાતાવરણમાં રમાશે. આ સિરીઝ સારી કસોટી સાબિત થશે. એ જોવું દિલચશ્પ રહેશે કે એક મહિનાના સમયમાં શું થાય છે. આશા છે કે કોરોનાનો પ્રકોપ ઓછો થાય અને તે લોકો સુરક્ષા સાથે ક્રિકેટ રમી શકે. આ સિરીઝ એક ઉદાહરણરૂપ પૂરું પાડશે કે કેવી રીતે કોરોનાના સમયગાળામાં ક્રિકેટ રમી શકાય છે, એમ દ્રવિડે કહ્યું હતું.

ICCના નવા નિયમો લાગુ

કોવિડ-19ને કારણે ICCએ નવા નિયમો લાગુ કર્યા છે અને એમાં એક બોલને ચમકાવવા માટે સલાઇવા અથવા થૂંક પર પ્રતિબંધ મૂકવાનો છે. આને લઈને દ્રવિડે કહ્યું હતું કે ઘણાબધા લોકો કહી રહ્યા છે કે ઇંગ્લેન્ડમાં જો તમે પરસેવાનો ઉપયોગ કરો તો એ થૂંકની કમી પૂરી કરશે. એટલા માટે બોલને ચમકાવવાથી તમને અટકાવવામાં નથી આવ્યા. મેડિકલ ક્ષેત્રના લોકોએ કહ્યું છે કે વાઇરસ પરસેવા દ્વારા નહીં ફેલાય, પણ મને એનો વિશ્વાસ નથી, કેમ કે જો પરસેવો કામ નહીં કરે તો શું તેઓ કોઈ વધારાનો પદાર્થનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે કે નહીં.