કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2023માં સુપર-4 રાઉન્ડની ગઈ કાલે અધૂરી રહી ગયેલી મેચ વરસાદના વિઘ્નને કારણે 24 કલાકના વિલંબ બાદ આજે અનામત દિવસે મોડી શરૂ થઈ શકી છે. ટીમ દીઠ ઓવર ઘટાડવામાં આવી નથી. મેદાન પરથી પાણી દૂર કરવામાં ગ્રાઉન્ડસ્ટાફે ઘણી મહેનત કરી હતી. સાંજે 4.30 વાગ્યે સૂર્યનારાયણ ફરી દેખાતાં અને આકાશ ઘણું સાફ થતાં મેચનો પુનઃ પ્રારંભ થયો હતો. એ પહેલાં, બપોરે ક્યારેક ધીમા તો ક્યારેક ધોધમાર વરસાદ વચ્ચે બંને ટીમના ખેલાડીઓ પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ પીચ તથા મેદાન પર કવર્સ ઢાંકેલા હતા અને આઉટફિલ્ડ પણ ભીનું હોવાને કારણે મેચ સમયસર શરૂ કરી શકાઈ નહોતી. ગઈ આખી રાત અને આજે સવારે પણ પીચ તથા સમગ્ર મેદાન પર કવર્સ ઢાંકી રાખવામાં આવ્યા હતા તેથી પીચની અંદર પાણી ગયું નથી, પરંતુ આઉટફિલ્ડ ભીનું રહેતાં અમ્પાયરોએ મેચને સમયસર શરૂ કરાવી નથી. આઉટફિલ્ડ સૂકું થાય એની રાહ જોવાઈ રહી છે. બંને ટીમના ખેલાડીઓ પણ વરસાદ ક્યારે અટકે અને મેચ ક્યારે ફરી શરૂ થાય એ માટે ઉત્સૂક છે.
બપોરે 3.10 વાગ્યે કોલંબોમાં આકાશ સાફ હતું. પરંતુ, આખા મેદાન પર કવર્સ ઢાંકેલા રાખવા પડ્યા હતા. ગઈ કાલે, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. વરસાદે 24.1 ઓવર બાદ મેચ અટકાવી ત્યારે ભારતે તેના દાવમાં બે વિકેટે 147 રન કર્યા હતા. વિરાટ કોહલી 8 અને કે.એલ. રાહુલ 17 રન કરીને દાવમાં હતા. કેપ્ટન રોહિત શર્મા 56 અને શુભમન ગિલ 58 રન કરીને આઉટ થઈ ગયા છે. બંનેએ પહેલી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી.