ટોક્યોઃ એમાં તો કોઈ શંકા નથી કે ઓલિમ્પિક રમતોત્સવમાં ગોલ્ડ મેડલ જીતવો એ કોઈ પણ એથ્લીટ માટે કે એના દેશ માટે સૌથી મોટા ગૌરવની બાબત ગણાય. રમતગમતોના આ મહાકુંભમાં ગોલ્ડ મેડલ જીતવો એ કોઈ પણ એથ્લીટનાં જીવનનું સપનું હોય છે. તેઓ ગોલ્ડ મેડલ જીતે એટલે એનો અર્થ એ ગણાય કે તેઓ સંબંધિત રમતની હરીફાઈમાં પૃથ્વી પરના સૌથી અવ્વલ-સર્વશ્રેષ્ઠ છે.
પરંતુ શું ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ ખરેખર પ્યોર ગોલ્ડના બનાવેલા હોય છે? તો જવાબ છે ના. ઓલિમ્પિક ગોલ્ડ મેડલમાં માત્ર બહારનો ભાગ જ શુદ્ધ સોનાનો હોય છે. દરેક ગોલ્ડ મેડલમાં ઓછામાં ઓછા 6 ગ્રામ સોનું હોય છે. બાકીનું મોટા ભાગનું, 92.5 ટકા ચાંદી હોય છે. ગોલ્ડ મેડલમાં 6 ગ્રામ સોનાનો ઢોળ ચડાવેલો હોય છે. વધુમાં, ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં એથ્લીટ્સને અપાતા ચંદ્રકોમાં થોડોક ભાગ રીસાઈકલ કરેલા ઈલેક્ટ્રોનિક સાધનો હોય છે.
ઓલિમ્પિક રમતોત્સવના ઈતિહાસમાં આ નિર્ણય આ પહેલી જ વાર લેવામાં આવ્યો છે. ટોક્યો ગેમ્સમાં અપાતા ગોલ્ડ મેડલની જાડાઈ (વ્યાસ) 85 એમએમ હોય છે. એક મેડલ બનાવવા પાછળનો ખર્ચ 700 પાઉન્ડ (આશરે 72,750 રૂપિયા) થયો છે. રજત ચંદ્રકો શુદ્ધ ચાંદીના બનાવેલા હોય છે જ્યારે કાંસ્ય ચંદ્રકો પિત્તળ ધાતુના બનાવેલા હોય છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું વજન આશરે 556 ગ્રામ છે. જ્યારે સિલ્વર મેડલ 550 ગ્રામ અને બ્રોન્ઝ મેડલ 450 ગ્રામનો છે.