અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (આઈપીએલ)માં આ વર્ષથી ઉમેરવામાં આવેલી અમદાવાદસ્થિત ટીમે પોતાનું નામ રાખ્યું છે – ગુજરાત ટાઈટન્સ. અમદાવાદ શહેર દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ધરાવે છે – નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. અમદાવાદ ટીમનું આ નામ ગુજરાતના મહત્ત્વાકાંક્ષી જુસ્સાને પ્રદર્શિત કરે છે. ગુજરાત ટાઈટન્સ ટીમ આઈપીએલની 15મી આવૃત્તિમાં ભાગ લેશે.
અમદાવાદ ફ્રેન્ચાઈઝની ખરીદી ગયા વર્ષના ઓક્ટોબરમાં સિદ્ધાર્થ પટેલની આગેવાની હેઠળના સીવીસી ગ્રુપે રૂ. 5,625 કરોડમાં કરી હતી. આઈપીએલની એક વધુ નવી ટીમ છે – લખનઉ સુપર જાયન્ટ્સ. સંજીવ ગોએન્કાના આરપીએસજી ગ્રુપે આ ટીમને રૂ. 7,090 કરોડમાં ખરીદી હતી.
અમદાવાદ ટીમે હાર્દિક પંડ્યા, રશીદ ખાન અને શુભમન ગિલને અનુક્રમે રૂ. 15 કરોડ, રૂ. 15 કરોડ અને રૂ. 8 કરોડમાં કરારબદ્ધ કર્યા છે. હાર્દિક પંડ્યા ચાર વખત વિજેતા બનેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી રમી ચૂક્યો છે. મુંબઈ ટીમે તેને આ વખતે રિલીઝ કર્યો હતો. હાર્દિકને અમદાવાદ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાના દંતકથા સમાન બેટ્સમેન તથા 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કોચ ગેરી કર્સ્ટનને ગુજરાત ટાઈટન્સ ટીમના બેટિંગ કોચ અને મેન્ટર (માર્ગદર્શક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાને ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.