ભારત-પાકિસ્તાન T20-વર્લ્ડકપ મેચની ટિકિટો પાંચ-મિનિટમાં વેચાઈ ગઈ

મેલબર્નઃ સિનિયર પુરુષ ક્રિકેટરોની T20 વર્લ્ડ કપ સ્પર્ધા આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. 23 ઓક્ટોબરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ મેચ રમાશે. એ માટેની ટિકિટોનું સામાન્ય જનતા માટેનું વેચાણ ગઈ કાલે શરૂ કરાયું એની માત્ર પાંચ જ મિનિટમાં બધી ટિકિટ વેચાઈ ગઈ હતી. એમસીજી સ્ટેડિયમમાં 90,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા વર્ષની T20 વર્લ્ડ કપ સ્પર્ધાની મેચ દુબઈમાં રમાઈ હતી. તેમાં પાકિસ્તાને ભારતને 10-વિકેટથી પરાજય આપ્યો હતો.

આ વર્ષની સ્પર્ધામાં ભારતની બીજી ગ્રુપ મેચ સિડનીમાં રમાશે. એની ટિકિટો પણ ગઈ કાલે વેચાઈ ગઈ છે. તે મેચમાં ભારતની હરીફ ટીમ હજી નક્કી પણ નથી થઈ. T20 વર્લ્ડ કપ સ્પર્ધા 16 ઓક્ટોબર અને 13 નવેમ્બર વચ્ચે રમાવાની છે.