અદાણી ગ્રુપે મેળવ્યા યૂએઈ-T20-લીગ સ્પર્ધાના ફ્રેન્ચાઈઝ

મુંબઈઃ અદાણી ગ્રુપની પેટાકંપની અદાણી સ્પોર્ટ્સલાઈને ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. તેણે યૂએઈ T20 લીગ ક્રિકેટ સ્પર્ધામાં ટીમની માલિકી તથા તેના સંચાલનના અધિકાર હાંસલ કર્યા છે. ભારતની આઈપીએલની જેમ દુબઈમાં કદાચ આવતા વર્ષના ફેબ્રુઆરી-મે દરમિયાન યૂએઈ T20 લીગ સ્પર્ધા રમાશે અને ત્યારબાદ એ દર વર્ષે રમાશે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના ઉપક્રમે આ સ્પર્ધા રમાશે. એમાં છ ટીમ ભાગ લેશે અને સ્પર્ધા 34-મેચની હશે. ક્રિકેટ રમતા તમામ દેશોમાંથી ટોચના ખેલાડીઓ જુદી જુદી ટીમો વતી રમે એવી ધારણા રખાય છે. આ સ્પર્ધામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, લેન્સર કેપિટલ, જીએમઆર ગ્રુપ અને કાપરી ગ્લોબલ કંપનીઓએ પણ એક-એક ટીમ ખરીદી છે.

યૂએઈ T20 લીગના ચેરમેન ખાલિદ અલ ઝરુનીએ કહ્યું કે, ‘એક ફ્રેન્ચાઈઝ ટીમના માલિક બનીને લીગ સાથે અદાણી ગ્રુપના જોડાણની જાહેરાત કરતા મને આનંદ થાય છે. અદાણી ગ્રુપે દાખવેલો વિશ્વાસ આ લીગ સ્પર્ધા માટે સારો સંકેત છે. એમના વ્યાપાર કૌશલ્યથી અમને લાભ પ્રાપ્ત કરવા અને અમારી લીગને સફળ બનાવવા સાથે મળીને કામ કરવા અમે આતુર છીએ.’ પ્રણવ અદાણીએ પણ કહ્યું કે, ‘યૂએઈ T20 લીગનો હિસ્સો બનવા બદલ અમે રોમાંચિત છીએ. ક્રિકેટની રમત વધુ ને વધુ ગ્લોબલ બની રહી છે અને યૂએઈ અનેક ક્રિકેટપ્રેમી રાષ્ટ્રોનું અપ્રતિમ સમૂહ છે.’