સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે અહીં ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે બીજા દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં બે વિકેટ ગુમાવીને 96 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા 9 અને કેપ્ટન અજિંક્ય રહાણે પાંચ રન સાથે દાવમાં હતો. આઉટ થનાર બેટ્સમેનો છે – વાઈસ-કેપ્ટન રોહિત શર્મા (26) અને શુભમન ગિલ (50). 70 રનના સ્કોર પર અને 27 ઓવરના અંતે ભારતની પહેલી વિકેટ પડી હતી, જ્યારે શર્મા આઉટ થયો હતો. આ 70 રનના સ્કોરની વિશેષતા એ છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે 10 વર્ષ પછી અને 92 દાવ બાદ દાવનો આવો સરસ પ્રારંભ કર્યો છે.
2010ની સાલ બાદ આ પહેલી જ વાર ભારતના ઓપનરોએ એશિયાની બહાર રમાયેલી ટેસ્ટ મેચના કોઈ દાવમાં 20 કે તેથી વધુ ઓવર સુધી બેટિંગ કરી હતી. એ પહેલાં વિરેન્દર સેહવાગ અને ગૌતમ ગંભીરે દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ઓપનિંગ જોડીના રૂપમાં 29.3 ઓવર સુધી બેટિંગ કરી હતી. ત્યારપછી સતત 92 દાવ સુધી ભારતના ઓપનરો 20 ઓવરથી વધુ ટકી શક્યા નહોતા. આજે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 338 રનમાં પૂરો થયો હતો. સ્ટીવન સ્મીથે 131 રન કર્યા હતા, તો માર્નસ લેબુશેને 91 રન કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સ્મીથની આ 27મી સદી છે. ભારત વતી સૌથી વધારે વિકેટ ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ લીધી હતી – 18 ઓવરમાં 62 રન આપીને 4 વિકેટ. બે ફાસ્ટ બોલર – જસપ્રિત બુમરાહ અને નવદીપ સૈનીને 2-2 વિકેટ મળી હતી. ચાર-ટેસ્ટની સિરીઝમાં બંને ટીમ 1-1થી સમાન છે.
