બ્રિસ્બેન-ટેસ્ટ, સિરીઝ જીતવા ભારત સામે 328-રનનો ટાર્ગેટ

બ્રિસ્બેનઃ ફાસ્ટ બોલરો મોહમ્મદ સિરાજ (73 રનમાં પાંચ વિકેટ) અને શાર્દુલ ઠાકુર (61 રનમાં ચાર વિકેટ)ની ઘાતક બોલિંગને કારણે ભારત અહીં ચોથી ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 294 રનના સામાન્ય સ્કોર પર પૂરો કરવામાં સફળ રહ્યું. ભારત પહેલા દાવમાં 33 રન પાછળ હતું. આમ, તેને આ મેચ અને સાથોસાથ સિરીઝ જીતવા માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. વરસાદને કારણે આજની રમત વહેલી બંધ કરી દેવી પડી હતી. ત્યારે ભારતે 1.5 ઓવર રમીને ચાર રન કર્યા હતા. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી દાવમાં હતી. ચાર-મેચની સિરીઝમાં બંને ટીમ 1-1થી સમાન છે, તેથી કાલનો દિવસ સિરીઝ-નિર્ણાયક રહેશે.

એ પહેલાં ઓસ્ટ્રેલિયાએ 21-0ના તેના ગઈ કાલના અધૂરા દાવને આજે સવારે આગળ ધપાવ્યો હતો, પણ ભારતના બંને ફાસ્ટ બોલરોના જોરદાર દેખાવને કારણે કાંગારું ટીમ 75.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, તેને મોટી સરસાઈ મળી નહીં. સિરાજે આ પહેલી જ વાર દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ઓફ્ફ સ્પિનર વોશિંગ્ટન સુંદરના ફાળે એક વિકેટ આવી હતી જ્યારે બે અન્ય ફાસ્ટ બોલરો – નવદીપ સૈની અને ટી. નટરાજનને એકેય વિકેટ મળી નથી. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં ટોપ સ્કોરર રહ્યો સ્ટીવન સ્મીથ – 55 રન.