બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત

 બ્રિસ્બેનઃ ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાના ગાબા મેદાનમાં હરાવીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. બ્રિસ્બેનમાં 33 વર્ષથી ઓસ્ટ્રેલિયાએ નથી હાર્યું. ઓસ્ટ્રેલિયા સામે આ નિર્ણાયક મેચમાં ભારતે જીત હાંસલ કરીને ચાર મેચોની બોર્ડર-ગાવસકર સિરીઝને 2-1થી પોતાને નામ કરી હતી. વડા પ્રધાને ટીમ ઇન્ડિયાને આ જીત બદલ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા. ભારતે બીજી વાર ઓસ્ટ્રેલિયાને એના ઘરમાં ટેસ્ટ સિરીઝમાં ધોબીપછાડ આપી છે. આ પહેલાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2018-19માં સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. આ મેચનો આ છેલ્લો દિવસ હતો. ભારતીય ટીમની સામે જીત માટે 328 રનનું લક્ષ્ય હતું. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક પ્રધાનોએ પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યાં હતાં.

ભારતે શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને રિષભ પંતની અડધ સદીના બળે ભારતે 97 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 329 રન બનાવ્યા છે. અને આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી.

યજમાન ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં પહેલી ટેસ્ટમાં 369 રન બનાવ્યા હતા, જેમાં માર્નસ લાબુશાનો સદી સામેલ હતી. એના જવાબમાં પહેલી ઇનિંગ્સમાં ભારતે શાર્દુલ ઠાકુરે અને વોશિંગ્ટન સુંદરે અડધી સદીની મદદથી 336 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા 33 રનની લીડ સાથે 294 રન બનાવ્યા હતા, જેથી ભારતીય ટીમે 328 રનનું લક્ષ્ય મળ્યું હતું. ચોથા દિવસે રમત પૂરી થઈ ત્યારે ભારતે ચાર રન બનાવ્યા હતા. જોકે બીજી ઇનિંગ્સમાં ભારતના શુભમન ગિલે 91, પુજારાએ 56, રહાણેએ 24,મયંક અગ્રવાલે 38, રિષભ પંતે 89 રન અને વોશિંગ્ટન સુંદરે 22 રન બનાવ્યા હતા.