સુરત દુર્ઘટનામાં PM-CMએ આર્થિક મદદ જાહેર કરી

સુરતઃ કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદ ગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયાં હતાં. સુરત દુર્ઘટના પર વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.  તેમણે ઘાયલ લોકો જલદીથી સાજા થઈ જવાની પ્રાર્થના કરી છે.

PM મોદી તરફથી આ દુર્ઘટનામાં આર્થિક મદદની જાહેર કરી છે. તેમણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને રૂ. 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેર કરી છે. આ સાથે ઘાયલોને 50-50 હજારની સહાયત મળશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આ દુર્ઘટનાની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકાર દ્વારા પણ પ્રત્યેક શ્રમજીવીને રૂ. બે લાખની સહાયની પણ જાહેર કરી છે.

આ અકસ્માતમાં માર્યા ગયેલા શ્રમજીવીઓ રાજસ્થાનના છે. રાજસ્થાન સરકારે પણ તેમને આર્થિક સહાય જાહેર કરી છે. મૂળ બાંસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. કિમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્મરચાલકે કિમ ચાર રસ્તા તરફ જતા શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. જેથી ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા 20 શ્રમિકને કચડી નાખ્યા હતા. આ શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લોકોને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં અન્ય ત્રણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં પોલીસે ડમ્પરચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. ડમ્પરચાલક પકડાયો ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવમાં એક છ મહિનાની બાળકીની ચમત્કારિક બચાવ થવા પામ્યો છે.