ડ્રેગન ફ્રૂટનું નામ રાજ્યમાં હવે ‘કમલમ્’: રૂપાણી

અમદાવાદઃ ઓળી, ઝોળી, પીપળ, પાન…રૂપાણી સરકારે હવે ડ્રેગન ફ્રૂટનું નામ ‘કમલમ્’ પાડ્યું. રાજ્યમાં ડ્રેગન ફ્રૂટ હવે ‘કમલમ ફ્રૂટ’ તરીકે ઓળખાશે. સરકારે નવા નામની માન્યતા માટે દરખાસ્ત પણ કરી છે. જેથી ભવિષ્યમાં ડ્રેગન ફ્રૂટને સત્તાવાર રીતે ‘કમલમ’ નામ મળી શકે છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું કહેવું છે કે આ ફળ ચીન સાથે સંકળાયેલું છે એટલે અમે એનું નામ બદલી નાખ્યું છે. સંસ્કૃત ભાષામાં ‘કમલમ’ એટલે કમળનું ફૂલ. તાજેતરમાં ભારતમાં આ ફળ ઝડપથી લોકપ્રિય થયું છે. તે એક ઉષ્ણકટિબંધીય ફળ છે, જે તેના અનોખા સ્વાદ અને સ્વરૂપ માટે પસંદ કરવામાં આવે છે. તેમણે મંગળવારે બાગાયતી વિકાસ મિશનના ઉદઘાટન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે  ‘અમે ડ્રેગન ફ્રૂટના પેટન્ટને કમલમ કહેવા માટે અરજી કરી છે. જેથી રાજ્યમાં આ ફળ ‘કમલમ’ તરીકે ઓળખાશે.’ ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચે કમલમ નામ માટે મંજૂરી આપી દીધી છે.

કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે. આ ફળ ડ્રેગન ફ્રૂટનો આકાર પણ કમળના ફૂલ જેવો જ છે.  જ્યારે ‘કમલમ’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેથી અમે એને કમલમ્ કહેવાનું નક્કી કર્યું છે. નામ બદલવા પાછળ કોઈ રાજકીય કારણ નથી, એમ તેમણે કહ્યું હતું.