પાઇલટ ભાવના કંઠ ‘રફાલ’ ઉડાડીને ઇતિહાસ રચશે

નવી દિલ્હીઃ મહિલા ફાઇટર પાઇલટ ભાવના કંઠ આ વર્ષે પ્રજાસત્તાક પરેડમાં સામેલ થશે. ભાવના કંઠ પહેલી વાર રાજપથ પર ફાઇટર જેટ રફાલથી ઉડાન ભરશે અને દેશમાં લોકોને ‘રફાલ’ની શક્તિ બતાવશે. આ વર્ષના સમારોહમાં કુલ 42 એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે, જેમાં બે ‘રફાલ’ વિમાન સામેલ છે. વર્ષ 2018ની પહેલી મહિલા ફાઇટર પાઇલટ્સના રૂપે તહેનાત થઈ હતી. હાલ તે રાજસ્થાન સ્થિત એરબસમાં તહેનાત છે.  વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય મહિલા દ્વસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇન્ડિયન એરફોર્સની મહિલા પાઇલટ્સ ભાવના કંઠને નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરી હતી.

ભાવનાએ કહ્યું હતું કે તેણે આકરી મહેનત કરીને સપનું સાકાર કર્યું છે. ભાવના બિહારના દરભંગા જિલ્લાની રહેવાસી છે.

ઇન્ડિયન એરફોર્સમાં ભાવના 18 જૂન, 2016માં બે અન્ય મહિલા પાઇલટ્સ અવની ચતુર્વેદી તથા મોહના સિંહની સાથે ફ્લાઇંગ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી હતી. સોશિયલ મિડિયામાં તેને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને પણ ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યાં હતાં.