સુરતમાં ફૂટપાથ પર સૂતેલા 15-મજૂરોને ટ્રકે કચડ્યા

સુરતઃ ગઈ કાલે મોડી રાતે સુરત જિલ્લાના કોસંબામાં મોટી કરૂણાંતિકા બની ગઈ. કિમ-માંડવી રોડ પર કિમ ચાર રસ્તા ખાતે એક ફૂટપાથ પર સૂતેલા 15 શ્રમિકો પર એક ટ્રક ફરી વળતાં તેમના મરણ નિપજ્યા છે. આ મજૂરો રાજસ્થાનના હતા અને બાંસવાડા જિલ્લાના કુશલગઢ ગામના રહેવાસીઓ હતા.

બનાવની વિગત એવી છે કે, એક ટ્રેક્ટર અને ટ્રક જોરથી સામસામી અથડાઈ પડી હતી. એને કારણે ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો અંકુશ ગુમાવી દેતાં ટ્રક ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં સૂતેલા મજૂરોને કચડી નાખ્યા હતા. ફૂટપાથ પર 18 શ્રમિકો સૂતા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 8 પુરુષ, 5 મહિલા, બે બાળકોનો સમાવેશ થાય છે. 6-વર્ષની એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.